હાથ ઉછીનાં રૂપિયાની સગવડ ન થતા બે આરોપીઓએ હાથ માર્યો હોવાની કબૂલાત આપી મોરબી : મોરબી જિલ્લામાં હરેડા થયેલા તસ્કરો કોઈ પણ વસ્તુ ચોરી જાય છે ત્યારે બે દિવસ પૂર્વે મોરબીના નાની વાવડી ગામે ફૂડ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાંથી તસ્કરો રૂપિયા 1.18 લાખથી વધુ કિંમતના મેંદાના 85 કટ્ટા ચોરી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે હજુ બીજો આરોપી ફરાર છે. બેલા આમરણ ગામે રહેતા ઋત્વિકભાઈ દિનેશભાઈ બોડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગત તા.22ના રોજ રાત્રીના 10થી તા. 23ના સવારે છ વાગ્યા સુધીમાં નાની વાવડી ગામે આવેલ તેઓની માલિકીની સંતોષ ફૂડ પ્રોડકટ નામની ફેક્ટરીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો રૂપિયા 1,18,150ની કિંમતનો 85 ગુણી મેંદાનો જથ્થો ચોરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરમિયાન એલસીબીએ સઘન તપાસ ચલાવીને નાની વાવડી ગામે ફૂડ પ્રોડક્ટ કારખાનામાંથી થયેલી મેંદાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ ગુનામાં નાની વાવડીનો શખ્સ સંડોવાયેલા હોવાની બાતમીના આધારે પોલીસે શૈલેષ ઉર્ફે સયલો બચુભાઇ પટેલને મેંદાની બોરીઓ નંગ 83 કિંમત રૂ.1.15.370 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીએ અન્ય આરોપી પ્રકાશભાઈ બાબુભાઇ પડુંરકર સાથે મળીને ચોરી કરી તેમજ આરોપી શૈલેષે બીજા આરોપી પ્રકાશભાઈને રૂ.25 હજાર હાથ ઉછીનાં આપ્યા હોય પણ આ રૂપિયાની વ્યવસ્થા ન થતા બન્ને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.