મોરબીઃ જિલ્લાભરમાં હાલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના માણેકવાડા પ્રાથમિક શાળા, મોટીવાવડી પ્રાથમિક શાળા અને કલ્યાણગ્રામ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માણેકવાડા પ્રા.શાળા તથા મોટીવાવડી પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે તા.24 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આઝાદી કા અમૃત મહોત્સવ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ એલ.ઈ. કોલેજના પ્રોફેસર ડો રમેશભાઈ ડામોર તથા માણેકવાડા ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા અને ઉપસરપંચ કેશવજીભાઈ ચનીયારા તથા ભાજપ અગ્રણી ધનજીભાઈ દંતાલિયા, બચુભાઈ અમૃતિયા, સી.આર.સી કો ઓર્ડીનેટર બાબુભાઈ દેલાવાડિયા ઉપસ્થિત રહી ધોરણ-1 માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ શાળામાં ધોરણ-3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલ વિધાર્થી કલ્પેશ ચાવડા અને જવાહર નવોદય વિધાલય પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થી ભરત ચૌહાણને આ પ્રસંગે ઇનામના કાયમી દાતા રતીભાઈ દેત્રોજા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કિટની ભેટ તથા દાતાશ્રી મહાદેવભાઈ ચનીયારા દ્વારા શાળાને LED SMART TV નંગ- 2ની ભેટ તેમજ આજના પ્રસંગે શાળાના તમામ બાળકોને નોટબુક અને ફુલસ્કેપ બૂકની ભેટ આપવામાં આવી હતી. દાતા અને સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા તિથિ ભોજન સાથે ક્રીમ લચ્છી પીરસવામાં આવી હતી. પરેશભાઇ દેત્રોજા (GEB) દ્વારા કાર્યક્રમ હેતુ આર્થિક સહયોગ સાંપડયો હતો. આ તકે શાળા પરિવાર દ્વારા મહેમાનોના વરદ હસ્તે સર્વે દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના આ કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઉર્વશી ચાવડા અને ભરત ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળાના શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત 24 જૂન ને શુક્રવારે કલ્યાણગ્રામ પ્રા.શાળા મોરબી-2 ખાતે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022' ઉજવાયો હતો. જેમાં કુલ 38 બાળકોને ધોરણ 1 માં શૈક્ષણિક કીટ આપી અને કુમ કુમ તીલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે ધોરણ 1 થી 8 ના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી નાયબ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, તાલુકા પંચાયત સદસ્ય તુલશીભાઈ હાજર રહ્યા હતા. સાથે પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણિયા, લાઈઝન ઓફિસર અને સી.આર.સી. કો.ઓર્ડિનેટર સંદિપભાઈ આદ્રોજા, એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ તથા સભ્યો, ત્રાજપર પંચાયતના તલાટી કમ મંત્રી ડાંગરભાઈ તથા સભ્યો, તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને દાતાઓ જોડાયા હતા. રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક શૈલેષભાઈ કાલરિયાએ શબ્દોથી સ્વાગત કર્યું હતું. બાળાઓએ સ્વાગત ગીત અને પુસ્તકથી મહેમાન અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. દાતાઓને શાલ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. શિક્ષક રાજેશભાઈ મંઢે શાળાની પ્રગતિ અને પરિચય કરાવ્યો હતો. દિનેશભાઈ વડસોલાએ પ્રાસંગિક પ્રવચન આપી પોતાની રસાળ શૈલીથી સૌને રસતરબોળ કરી દીધા હતા. અન્ય વ્યવસ્થા પંડ્યા સાહેબ અને શિક્ષિકાઓ પ્રિયંકાબેન, કૃપાબેન, ચંદ્રાવતીબેન, દેવાંગીનીબેન, સરોજબેને સંભાળી હતી. શિક્ષક રાજેશ પરમારે આભારવિધિ કરી હતી. વૃક્ષારોપણ કર્યા બાદ આચાર્ય સંજય દંતાલિયાએ અધિકારીઓની હાજરીમાં વાલી મીટીંગ ગોઠવી હતી. જેમાં શિક્ષણનું મહત્વ અને શાળા વિકાસની ચર્ચા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.