ટંકારા : ધોરણ-1 માં પ્રવેશપાત્ર બાળકોનું 100% નામાંકન થાય અને બાળકો હોંશભેર શાળાએ આવે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ: 2022-23 માં ધો.1 માં પ્રવેશ પામતા બાળકો માટે તા. 23-24-25 જૂનના રોજ ટંકારા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં રીતે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 878 બાળકોને પ્રવેશ અપાયો હતો. ટંકારા તાલુકામાં આવેલી તમામ સરકારી પ્રાથમિક શાળાઓને સમાવેશ કરવા માટે કુલ 6 રુટ બનાવવામાં આવ્યા હતા. દરેક રુટમાં દરરોજ ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રુટમાં રાજ્ય,જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજર રહી બાળકોને ઉલ્લાસમય વાતાવરણમાં પ્રવેશ અપાયો હતો. ટંકારા તાલુકામાં રાજ્ય કક્ષાએથી સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં વર્ગ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા નયનાબેન ચીતરિયાએ હાજરી આપી બાળકોને પ્રવેશ આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી પધારેલા અધિકારીઓ, ટંકારા તાલુકાના નવ નિયુક્ત મામલતદાર સખીયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને કમળાબેન અશોકભાઈ ચાવડા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરિયા તેમજ અન્ય પદાધિકારીઓએ હાજરી આપી હતી. તમામ શાળાના શિક્ષકો અને શાળા પરિવાર દ્વારા આ પ્રવેશોત્સવ માટે ઉત્સાહપૂર્વક અને રીતે આયોજન કર્યું હતું અને ભારે જહેમત ઉઠાવી હતી. આમ,રીતે ઉજવાયેલ આ પ્રવેશોત્સવ આજે પૂર્ણ થયો હતો, તેમજ સમગ્ર ટંકારા તાલુકાના પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળતાપૂર્વક યોજવા બદલ અને સુંદર આયોજન બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ તેમજ બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ તમામ સી.આર.સી.મિત્રો અને બ્લોક સ્ટાફને રાજ્યકક્ષાએથી પધારેલા નયનાબેન ચિતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા અને ટંકારા તાલુકાની શિક્ષણ ક્ષેત્રેની સિદ્ધિને બિરદાવી હતી.