મોરબી : રાજ્યના ગૃહમંત્રીની મોરબી મુલાકાત બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને લુખ્ખા તત્વોને ઝેર કરવા મોરબી પોલીસ સતત ત્રણ દિવસથી એક્શનમાં આવીને મેદાનમાં ઉતરી પડી છે. ખાસ કરીને લુખ્ખાઓ અને ટપોરીઓને ભો ભીતર કરી દીધા છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ટ્રાફિક પાલન માટે કડક કાર્યવાહી કરી સેંકડો વાહન ચાલકોને દંડ ફટકારી 30થી વધુ વાહનો ડિટેઇન કર્યા છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક મજબુત એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી, મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ એલસીબી પીઆઇ એમ.આર ગોઢાણીયા, એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા તથા એલ.સી.બી., એસ.ઓ.જી., સીટી એ ડિવીઝન, બી ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસ માથકના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે મોરબી શહેરનાં સંવેદનશીલ વિસ્તાર એવા વિશીપરા, ખાટકીવાસ ચોક, નગર દરવાજા, રવાપર રોડ, નવા- જુના બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, મચ્છીપીઠ, મહારાણા પ્રતાપ સર્કલ,ત્રાજપર ચોકડી વિસ્તારમાં સવાર તથા સાંજના સમયે ફુટ પેટ્રોલીંગ ફરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુમાં વધુ સુદ્રઢ બનાવી ગુનાખોરી આચરતા ઇસમોને કડક ભાષામાં કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે. દરમિયાન ગઈકાલે ત્રીજા દિવસે એ ડિવિઝન પોલીસ કાફલાએ શકિત ચોક વિસ્તારથી અંદરના વિસ્તારમાં ફરી છેક નહેરુ ગેઇટ ચોક સુધી સઘન કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી હતી અને એસપીએ ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા માટે કાયમી ફૂટ પેટ્રોલીગ કાયમી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન લુખ્ખા-ટપોરીઓના સીન વીખી નાખી આવા 40 શખ્સો સામે કાર્યવાહી તેમજ ટ્રાફિકને નડતરરૂપ 30થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ બદલ 183 કેસ કરી 69 હજારથી વધુનો દંડ વસુલાયો હતો. વધુમાં પોલીસ દ્વારા મોરબી શહેર વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજ, લેડીઝ હોસ્ટેલ તથા બસ સ્ટેન્ડ, કે જયાં છોકરીઓ, મહીલાઓ જતી આવતી હોય તે વિસ્તારમાં બિનજરૂરી મોટરસાયકલ લઇ આટાફેરા કરી રોમીયોગીરી કરતા ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ તેઓને બિનજરૂરી સ્કૂલ, કોલેજ, લેડીઝ હોસ્ટેલ,બસ સ્ટેન્ડ તરફ રોમીયોગીરી નહી કરવા કડક સુચના કરી બીજી વખત મળી આવ્યે વધુ સખ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ભાષામાં સુચના કરવામાં આવેલ હતી. મોરબી શહેરની ટ્રાફીક વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવા સારૂ મોરબી શહેરના મેઇનરોડ ઉર આવેલ દુકાનદારોને ગ્રાહકોને તેઓના વાહનો ટ્રાફીક નિયમ મુજબ વ્યવસ્થિત પાર્કીંગ કરવા સમજ કરી, દુકાનદાર, વેપારીઓને દુકાનની બહાર ફુથપાથ ઉપર પોતાની ચિજવસ્તુઓ નહી રાખી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી રાખવા તેમજ દબાણ નહી કરવા અંગે જરૂરી સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નાસ્તા, ખાણીપીણીની જગ્યા તથા ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા આવતી જતી હોય તેવી જગ્યાએ કારણ વગર બેસી રહેતા તથા આટાફેરા કરતા ઇસમોને આઇડેન્ટીફાઇ કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેમજ બિનજરૂરી આવી જગ્યાએ બેસવા તથા આટોફેરા નહીં કરવા કડક સુચના પણ આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, મોરબી શહેર વિસ્તારમાં આવેલ બેંકો તથા ભીડભાડ વાળી જગ્યાએ અસામાજીક તત્વો દ્વારા ચીલઝડપના બનાવોને અંજામ આપતા હોય છે જેથી આવી જગ્યાએ પણ ખાનગીમાં પોલીસ સ્ટાફના માણસોનું પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ છે તેમજ આવી જગ્યાએ અજાણ્યા શંકાસ્પદ ઇસમો બાબતે પોલીસને જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે.