મોરબી શહેરમાં મેઘરાજાએ લગભગ અડધો કલાક સુધી ભુક્કા બોલાવ્યા, શહેરના તમામ વિસ્તારો અને માર્ગો ઉપર નદીની જેમ પાણી દોડવા લાગતા વાહન ચાલકો ફસાયા મોરબી : મોરબી શહેરમાં આજે સીઝનના પ્રથમ વરસાદે હેલી સર્જી હતી. જેમાં મેઘરાજાએ દે ધનાધનની જેમ ધોધમાર સ્વરૂપે ધરતીને ગાઢ આલીગન આપ્યું હતું. અડધો કલાક સુધી મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા હતા.જો કે સામાકાંઠે માત્ર ઝાપટું જ પડ્યું હતું. મોરબીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય બફાર અને ઉકળાટ વચ્ચે આજે સાંજના 6 વાગ્યાની આસપાસ આકાશમાં ઘટોટપ કાળા ડિબાંગ વાદળોની જમાવટ થતા જ મેઘરાજા મન મુકીને વરસી પડ્યા હતા. મોરબી શહેરના રવાપર-શનાળા થઈ સાંમાકાંઠે નટરાજ ફાટક સુધીના આખા શહેરને અડધી કલાક સુધી ધોધમાર સ્વરૂપે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. પરિણામે મોરબીના જુના-નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ, રવાપર રોડ, રામચોક, ગાંધીચોક, ગ્રીનચોકના વિસ્તારો, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, મુખ્ય પરાબજાર વિસ્તાર, શાક માર્કેટ, નહેરુ ગેઇટ આસપાસ બજાર વિસ્તાર સહિતના મોરબી-1ના તમામ વિસ્તારો થોડીવારમાં જાણે જળબંબાકાર બની ગયા હોય એમ પાણી વહેવા લાગતા પ્રથમ સારા વરસાદથી લોકોમાં હરખની હેલી જોવા મળી હતી. બીજી તરફ નટરાજ ફાટકથી જે સામાકાંઠાના વિસ્તારમાં ગણાય છે તેવા તમામ વિસ્તારોમાં માત્ર ઝાપટું જ પડ્યું હતું. આ વિસ્તારમાં પાણી વહી નિકળા હતા. પણ અહીં મેઘરાજાએ મન મુકીને વરસવામાં ભારે કંજુસાઈ કરતા માત્ર ધરતી ભીની થઇ હોય એવો વરસાદ પડતાં સામાકાંઠાના લોકો નિરાશ થયા હતા. જ્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં પણ મેઘરાજાએ હરખની હેલી વરસાવી હતી. જો કે મોરબી શહેરમાં માર્ગો અને મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા વરસાદના વિરામ બાદ થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અમુક વાહનો રોડ ઉપર પાણીમાં ફસાયા હતા તેમજ ઘણા વાહનો બંધ પડી ગયા હતા.જ્યારે પ્રથમ વરસાદમાં પણ માત્ર અડધી કલાક મેઘરાજાએ તોફાની ઇનિંગ ખેલતા તંત્રની પોલ ખુલી ગઈ હતી.