અન્ય ખેડૂતો વાવણી કરતા હોય તેવા સમયે ધ્રાંગધ્રાના નરાળી ગામના ખેડૂતે કપાસની પ્રથમ વીણી કરી લીધી ફેબ્રુઆરીમાં કપાસનું વાવેતર કરી જૂનમાં સફેદ સોનુ ઉતાર્યું : વગર સિઝનનો કપાસ પ્રતિમણ રૂપિયા 5101ના ભાવે વેચાયો : પ્રથમ વિણમાં 5 વીઘામાં 11 મણ ઉત્પાદન આવ્યું મોરબી : મોરબી જિલ્લાની શેઢા પાડોશી એવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતે કમાલ કરી કૃષિ વૈજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવો પ્રયોગ કરી અભણ ખેડૂતે કોઠાસૂઝનો નમૂનો બતાવ્યો છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂન-જુલાઈ માસમાં ખરીફ સીઝનમાં જ કપાસની વાવણી કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ખેડૂતે ફેબ્રુઆરી માસમાં કપાસનું વાવેતર કરી અન્ય ખેડૂતો જયારે કપાસની વાવણી કરે ત્યારે કપાસનો લૂમેઝૂમે પાક લણીને વગર સિઝનનો પ્રથમ ફાલ પ્રતિમણ 5101ના ભાવે આ કપાસનું વેચાણ પણ કર્યું છે. સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝનમાં કપાસ અને મગફળીનો પાક મુખ્ય છે, સામાન્ય રીતે ખેડૂતો સિંચાઇના પાણીની સગવડતા હોય તો ચોમાસા પૂર્વે જેઠ મહિનામાં એટલે મે મહિનાના અંતિમભાગમાં આગોતરો કપાસ અથવા મગફળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના અભણ ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરે કૃષિ વૈજ્ઞાનિકો માથું ખંજવાળતા રહી જાય તેવી કમાલ કરી અન્ય ખેડૂતો વાવેતર કરતા હોય તેવા સમયે કપાસનું ઉત્પાદન મેળવી આજે પ્રથમ વિણીમાં ઉતરેલ 11 મણ જેટલો કપાસ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 5101ના ભાવે વેચાણ કર્યો હતો. વગર સીઝને કપાસનું ઉત્પાદન મેળવનાર ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોર કહે છે કે તેઓએ કંઈક નવું કરી બતાવવાના ઉદેશ્યથી 22 ફેબ્રુઆરી 2022ના રોજ પાંચ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. આજે સીઝન વગરનો આ કપાસ નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરના ખભ્ભા સુધી ઉંચો થઇ ગયો છે અને લૂમે ઝૂમે જીંડવા બેઠા છે જે પૈકી પ્રથમ વીણીમાં નવઘણભાઈને 11 મણ કપાસ ઉતરતા ધ્રાંગધ્રા યાર્ડમાં પ્રથમ મુહૂર્તનો સોદો 5101ના ભાવે કર્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું છે કે નવઘણભાઇ અભણ હોવા છતાં પોતાની કોઠાસૂઝથી આ અવનવો પ્રયોગ કરી સારું પરિણામ મેળવ્યું છે.