વાંકાનેરઃ તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.- જૂના કણકોટ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ આપીને આવકારવામાં આવ્યા હતા. વેલકમ વિન્ડો દ્વારા બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. શાળાના બાળકોને પ્રવેશ આપવા માટે જિલ્લા રમત ગમત અધિકારી બી.ડી.જોબનપુત્રા મુખ્ય મહેમાન તરીકે તથા સી.આર.સી.કો.ઓ. દિવ્યેશભાઈ ગઢિયા અને અતુલભાઈ રોજસરા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ગામના સરપંચ બટુકસિંહ ઝાલા, ઉપસરપંચ દીપકભાઈ વાઘેલા, વાંકાનેર તાલુકા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ધ્રુવરાજસિંહ ઝાલા તથા SMC અધ્યક્ષ મેનાબેન નવઘનભાઈ થોરિયાએ તથા ગ્રામજનો અને વાલીઓએ હાજરી આપી હતી. મહેમાનોનું સ્વાગત 'મનુષ્ય તું...' ગૌરવ ગાન અભિનય સાથે રજૂ કરીને વિદ્યાર્થિનીઓ ધરતીકુંવર બા, વંદનબા તથા નિધિબાએ કર્યું હતું. વિદ્યાર્થી વિક્રમ અને સુમને યોગ નિંદર્શન કર્યું હતું. વિદ્યાર્થિની ભારતી બાવળીયાએ 'આઝાદી કા અમૃત મહોત્સવ ' વક્તવ્ય રજુ કર્યું હતું. દિવ્યાંગ બાળકોને જોબનપુત્રા સાહેબ તથા શિક્ષક નિમેષભાઈના હસ્તે દિવ્યાંગ કિટ ભેટ આપવામાં આવી હતી. શાળાના ધોરણ - 1 ના બધા બાળકોને દાતા બટુકસિંહ ઝાલા તરફથી સ્કૂલ બેગ, દાતા દીપકભાઈ વાઘેલા તરફથી વૉટરબેગ, દાતા આંબાભાઈ વાઘેલા તરફથી કંપાસ તથા શિક્ષક નમ્રતાબા પરમારના પ્રયત્નથી દાતા કેવલભાઈ ઠુંમર તરફથી લન્ચબોક્સ, દાતા અધ્યાની ફાઉન્ડેશન, અડાલજ તરફથી શૈક્ષણિક કિટ ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ધોરણ- 3 થી 8 ના પ્રથમ નંબર મેળવનાર બાળકો તથા NMMS અને PSE પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. તમામ દાતાઓનું તથા દાતા દ્વારા દાન મેળવનાર શિક્ષકો નમ્રતાબા તથા રવજીભાઈ બોસિયાનું આચાર્ય વિરેન્દ્રસિંહ તરફથી ભેટ આપીને સન્માન કરાયું હતું. આંગણવાડીના બાળકોને પણ આ તકે કીટ આપીને પ્રવેશોત્સવ યોજાયો હતો. ઉપરાંત નવી ગ્રામ પંચાયતના સરપંચ બટુકસિંહ ઝાલા અને ઉપસરપંચ ઝાલાનું શાળા વતી સાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું. પૂર્વ ઉપસરપંચ ધ્રુવરાજસિંહ ઝાલા અને મુખ્ય મહેમાન બી. ડી. જોબનપુત્રા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનો અને ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું