મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી મોબાઈલ શોપમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર લૂંટારુને મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં નાકાબંધી કરીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ મોબાઈલ સિટી પ્લસ નામની દુકાનમાં ગ્લાસ નાંખવાને બહાને આવેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સોએ દુકાનદાર પાસેથી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 25 હજારની રોકડ રકમ બંદૂકની અણીએ પડાવી લઈ નાસી ગયા હતા. જો કે આ લૂંટારુઓને પડકારનાર વેપારી ઉપર વળતો હુમલો કરી એક લૂંટારુએ ફાયરિંગ કરતા ઘટનાની જાણ થતાં તુરંત જ મોરબી પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી જઇ નાકાબંધી કરાવી હતી. દરમિયાન મોરબી પોલીસે કરાવેલ નાકાબંધી સફળ રહી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપનાર એક લૂંટારુને પોલીસે દબોચી લેતા આરોપીની સઘન પૂછતાછ બાદ ઘટનાનો ભેદ ઉકેલાય જશે.