લાલપર પાસે બુલેટ ઉપર નીકળવાના હોવાની બાતમીના આધારે બન્ને આરોપીઓને ઝડપી લેતી તાલુકા પોલીસ મોરબી : મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર ગત અઠવાડિયે સોનાના ચેનની થયેલી ચિલઝડપના બનાવનો ભેદ આજે મોરબી તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો હતો. જેમાં બે બુલેટ સવારોએ સિરામીક સેનેટરીવેર્સના વેપારીને આંતરી તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયુ કહી વેપારીએ ગળામાં પહેરેલ સોનાના ચેનની ઝોટ મારી લુટી નાસી ગયા બાદ આ બન્ને આરોપીઓ બુલેટ ઉપર લાલપર પાસેથી નીકળવાના હોવાની બાતમીના આધારે પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીમાં લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટમાં રહેતા સેનેટરીવેર્સના વેપારી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા ગત અઠવાડિયે પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે એલઈ કોલેજ રોડ ઉપર બે અજાણ્યા બુલેટ સવાર શખ્સોએ ધ્રુવકુમારનું બાઈક ઉભું રાખવી બન્ને શખ્સ પૈકી પાછળ બેઠેલા ઇસમે કહ્યું હતું કે, તને બાઈક ચલાવતા નથી આવડતું, તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું તેમ કહી ગળામાં પહેરેલા 35 હજાર રૂપિયાની કિંમતના સોનાના ચેનની ઝોટ મારી નાસી ગયા હતા. ચિલઝડપના આ બનાવની ફરિયાદને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમને આજે આ ચિલઝડપ કરનાર બન્ને આરોપીઓ બુલેટ ઉપર લાલપર નજીક નીકળવાના હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે લાલપરના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પર વોચ ગોઠવી બુલેટ ઉપર નીકળેલા આરોપીઓ તુફેરભાઈ હમીદભાઈ કચ્છી, શબ્બીર રફીકભાઈ કુરેશી રહે. બન્ને મોરબી વાળાઓને બુલેટ અને ચોરાઉ ચેન મળી કુલ રૂ.2.35 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.