27.46 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન જિલ્લા પંચાયત કચેરીના બાંધકામમાં લોટ,પાણીને લાકડા બાંધકામ સમિતિના ચેરમનેની ચેમ્બર વાળી લોબીમાં ટાઇલ્સ તૂટી : પ્રમુખની ચેમ્બર બહાર લૂણો, આરોગ્ય ચેરમેનની ચેમ્બરમાં પોપડા ઉખડી ગયા મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર રૂપિયા 27.64 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત કચેરીના ઉદઘાટનને હજુ એક વર્ષ જ વીત્યું છે ત્યાંજ કચેરીમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડવાનું શરૂ થતા આશ્ચર્ય સર્જાયું છે.જિલ્લા પંચાયત કચેરીના બાંધકામમાં લોટ,પાણીને લાકડા જેવી નીતિ રાખવામાં આવી હોય હાલમાં બાંધકામ સમિતિના ચેરમનેની ચેમ્બર વાળી લોબીમાં ટાઇલ્સ તૂટી ગઈ છે. તો પ્રમુખની ચેમ્બર બહાર લૂણો આવી ગયો છે જયારે આરોગ્ય ચેરમેનની ચેમ્બરમાં પોપડા ઉખડી જતા નબળા બાંધકામ સામે સવાલો ઉઠ્યા છે. મોરબી જિલ્લા પંચાયત ભવનનું લાંબો સમય સુધી બાંધકામ ચાલ્યા બાદ લોકર્પણમાં પણ લાંબો સમય કાઢી નાખવામાં આવતા ગત વર્ષે જૂન માસમાં રૂપિયા 27.46 લાખના ખર્ચે તૈયાર થયેલ કચેરીનું લોકાર્પણ થયું હતું. જો કે હજુ પણ જિલ્લા પંચાયત કચેરીમાં અનેક શાખાઓમાં ફર્નિચર કામ બાકી હોય નવી નકોર કચેરી પૂર્ણતઃ ફૂલ ફલેન્જમાં ચાલુ પણ માંડ થઇ છે તેવા સમયે જ કચેરીના બાંધકામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાંમાં આવ્યું હોય કચેરીમાં ઠેર-ઠેર લૂણો આવવો, ગાબડાં પડવા, પ્લાસ્ટર ઉખડી જવું સહિતના ભ્રષ્ટાચારના પુરાવા બહાર આવવા લાગ્યા છે. બહારથી રૂડી રૂપાળી લગતી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખની ચેમ્બરની બહાર મોટાપ્રમાણમાં લૂણો લાગતા પ્લાસ્ટરઉખડી ગયું છે, એ જ રીતે બાંધકામ સમિતિના ચેરમેનની ચેમ્બર જ્યા આવેલી છે તે લોબીમાં ટાઈલ્સના ભુક્કા બોલી ગયા છે. તો આરોગ્ય સમિતિના ચેરમનેની ઓફિસમાં તો ચારે બાજુ લૂણો પ્રસરી જતા પ્લાસ્ટર અવિરત પણે ખરી ખરીને નીચે પડી રહ્યું છે. બીજી તરફ કચેરી શરૂ થયાના એક જ વર્ષમાં નબળું બાંધકામ થયું હોવાનું સામે આવતા આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયાએ આ ગંભીર બાબતે સવાલો ઉઠાવી કોન્ટ્રાકટરની જિલ્લા પંચાયત પાસે પડેલી ડિપોઝીટ પરત નહીં આપવા લેખિત આપવાની સાથે કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા પણ માંગ ઉઠાવી હોવાનું જાણવા મળે છે.