નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલી દુકાનોના ઓટલા - છાપરાં તોડી પાડ્યા મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં આજે ફરી દબાણો હટાવવા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે દબાણો ખડકાયા હોવા છતાં અન્ય વિસ્તારના દબાણો સામે આંખ મિચામણા કરી પાલિકાએ ફરી એકવાર મચ્છીપીઠમાં ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલી દુકાનોના ઓટલા - છાપરાં તોડી પાડ્યા હતા. મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં આજે મોરબી નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં રહેલા 27 જેટલી દુકાનોની બહાર રહેલા ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે ઓટલા અને છાપરાં ઉપર નગરપાલિકાની ટીમનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલા મચ્છીપીઠમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પણ ફરી વખત દબાણો મૂળ જગ્યાએ ખડકાઈ જતા આજે તંત્રએ ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યુ હતું. આજે દબાણો દૂર કરી ત્યાં રોડ ઉપર પટ્ટા લગાવીને ટ્રાફિકની સ્થિતિને હળવી કરી હતી. જો કે શહેરમાં કોઇપણ જગ્યાએ નાના હોય કે મોટા ગેરકાયદે દબાણો હોય તો તેને દૂર કરવા જ જોઈએ.કાયદો બધા માટે સમાન રીતે લાગુ પડે છે. પણ અહીં ઉલટી ગંગા વહે છે. શહેરમાં ઠેક ઠેકાણે મોટાપાયે ગેરકાયદે દબાણો વચ્ચે તંત્રની ઝપટે માત્ર માછલીઓ જ ચડે છે. મગરમચ્છો રાજકીય ઓથ હેઠળ આબાદ જ રહે છે.