મોરબીના પ્રેમજીનગરમાં બનેલા બનાવ અંગે પોલીસ તપાસનો ધમધમાટ મોરબી : મોરબી તાલુકાના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને સાસુ,સસરા,જેઠ અને નણંદે બળજબરીથી સફેદ ફિનાઈલ પીવડાવી દેતા પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી છે, આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પ્રેમજીનગર ખાતે બૌદ્ધ નગરમાં રહેતા દિનાબેન રાહુલભાઇ બારીયા, ઉ.24 નામના પરિણીતાને તેણીના સાસુ,સસરા,જેઠ અને નણંદે ગતરાત્રીના બળજબરીથી સફેદ ફીનાઇલ પીવડાવી દેતા પરિણીતાના ભાઇ નવનીતભાઇએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડ્યા હતા. વધુમાં પરિણીતાના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે જાણવા જોગ નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.