રેલવે ટ્રેક ઓળગતી વખતે વાહન ચાલકોને ગબડી જવાની ભીતિ મોરબી : મોરબીના નટરાજ ફાટકે મગરની પીઠ જેવો ઉબડ ખાબડ રોડ હોવાથી વાહન ચાલકો હાલક ડોલક થાય છે. તેમજ રેલવે ટ્રેક ઓળગતી વખતે વાહન ચાલકોને પડી ગબડી જવાની ભીતિ રહે છે.રોડ ખાડા ખબડાવાળો હોવાથી ટ્રાફિકજામ પણ રોજિંદી સમસ્યા બન્યો છે. મોરબી શહેર અને સામાકાઠાને જોડતી એકમાત્ર મુખ્ય કડી નટરાજ ફાટક ઉપર 24 કલાક વાહનોનો અસામાન્ય ઘસારો રહે છે. પરંતુ ફાટક વચ્ચે રહેલા બે રેલવે ટ્રેકની વચ્ચેનો ભાગ એકદમ ઉબડ ખાબડ છે. એટલે રેલવે પાટા વચ્ચે ગોઠવેલા પથ્થરો વાહનો નિકળવાથી સતત હાલક ડોલક થાય છે. જેથી વાહન ચાલકોને જાળવી જાળવીને પસાર થવું પડે છે. તેથી ઘણીવાર ટ્રાફિકજામ સર્જાઈ છે અને લોકોને હાલાકી પડે છે. તેમજ રેલવે ટ્રેક ઓળગતી વખતે પડી જવાની પણ દહેશત રહે છે. આથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.