ઊંધો વિકાસ......રસ્તાઓ ઉંચા, દુકાનો-મકાનો નીચાણમાં હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રસ્તાઓ બનાવવા માટે પહેલા ઉડાઈથી ખોદી નવસેરથી બનાવવાની માંગ સાથે રજુઆત : રોડના અયોગ્ય કામો સામે લોકોને પણ સત્યાગ્રહ કરવાની જાગૃત નાગરિકની હાકલ મોરબી : સાવધાન !!! મોરબી ભો માં ભંડારાઈ રહ્યું છે...... મોરબીમાં રસ્તાઓ બનાવવાના કામ જ્યારે - જ્યારે થાય ત્યારે નવસેરથી રસ્તાને ઊંડા ખોદાતા નથી. બલ્કે જે રોડ બનેલો હોય તેના માથે નવા રોડના થર ખડકી દેવાઈ છે.પરિણામે રોડ ઉંચા થઈ જાય છે અને ઘરો તેમજ દુકાનો નીચાણમાં આવી જાય છે તેથી જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેથી રસ્તાઓ બનાવવા માટે પહેલા ઉડાઈથી ખોદી નવસેરથી બનાવવા તેમજ રોડના અયોગ્ય કામો સામે લોકોને પણ સત્યાગ્રહ કરવાની જાગૃત નાગરિકની હાકલ કરી છે. મોરબીના જાગૃત નાગરિક ઠક્કર પોપટલાલ પી. સત્યદેવએ નગરપાલિકા તંત્રને આંખ ઉઘાડનારી રજુઆત કરી છે. મોરબી શહેરમાં જયારે પણ રસ્તા બન્યા છે. ત્યારે દુકાનો કે ઘરની ઊંચાઈ ધ્યાને લઈને નથી બનાવવામાં આવ્યા એ હકીકત છે. એક સમયે મોરબી શહેરના ઘરો અને દુકાનો રસ્તાથી દોઢથી બે ફૂટ ઉંચા હતા. સમયાંતરે રીપેરીંગ થતા રસ્તાઓ ખોદીને નહી બનાવવાના કારણે આજે એવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે દુકાના અને ઘરો રસ્તાથી નીચે આવી ગયા છે. પરિણામે વરસાદના પાણી તથા કચરો ગંદા પાણી તથા ગંદકી સહેલાયથી ઘરમાં અને દુકાનોમાં ઘુસી જાય છે. આ સંજોગોમાં હવે પછી સિમેન્ટ રોડ કે ડામર રોડ કે પેવર બ્લોકથી નવા રસ્તાઓ જુના રસ્તાઓ પર થર ચડાવી ના બનાવવામાં આવે તેની ગંભીરતાથી કાળજી લેવા સમયની માંગ છે. નહિતર ભવિષ્યમાં મોરબી શહેરને ધરતીમાં સમાતું જશે, તે નક્કી છે. રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટરોની સગવડતા ધ્યાને લેતા પેહલા થોડા મામુલી ખર્ચમાં રસ્તાઓ ખોદી નીચે બનાવવામાં આવેતો મોરબીની જનતા પર મોટો ઉપકાર થયો ગણાશે. આ ઉપરાંત મોરબી શહેરમાં રોડ રસ્તાના નીયમો વિરુધ્ધ આડેઘડ સ્પીડ બ્રેકરો થોડા થોડા અંતરે જોવા મળે છે. આવા મોતના પેગામ જેવા સ્પીડ બ્રેકરોને કારણે અકસ્માતો થાય છે, અને વાહનોમાં પણ ભારે વેરેન્ટેજ આવે છે, અને પેટ્રોલ ડીઝલ ઓઈલની ભયંકર બરબાદી થાય છે. મોરબી શહેર ભારત સરકારને હુંડીયામણ કમાઈ આપતું પ્રથમ નંબરનું શહેર છે. આ શહેરના રસ્તાઓ નિયમ મુજબ બને તે માટે ગુજરાત તથા ભારત સરકારે યોગ્ય મદદ કરવી જોઈએ. મોરબી શહેરને પેરીસ બનાવવામાં વચન સાથે ચૂંટાયેલ ભારતીય જનતા પાર્ટીના નગર સેવકોએ પોતાના વોર્ડમાં બનતા રસ્તાઓ અંગે ઉપરોક્ત બાબતની કાળજી લેવા એમજ મોરબીની જનતાએ પણ આ ગંભીર મુદાને ધ્યાને લઈ જરૂર પડે ત્યાં કામો અટકાવી દઈ સત્યાગ્રહ કરવાની અંતમાં હાકલ કરી છે.