ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર દેશમાં એક કરોડ વૃક્ષ વાવવાના અભિયાન હેઠળ 700 વૃક્ષનું વાવેતર કરાયું : જતનથી ઉછેર કરવા સંકલ્પ મોરબી : મોરબી ગાયત્રી પરિવાર સંસ્થાએ સમગ્ર દેશમાં પર્યાવરણના જતન માટે એક કરોડ જેટલા વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગરૂપે માળીયાના ચાચાવદરડા ગામમાં 700 જેટલા વૃક્ષો વાવી ગામને લીલુંછમ હરિયાળું બનાવવાની નેમ વ્યક્ત કરાઈ છે. ગામની 35 વિધાની જમીન જે ખરાબાની હતી તેને ફળદ્રુપ બનાવીને નંદનવન બનાવવાનો સુતત્ય પ્રયાસ કરાયો છે. માળીયાના ચાચાવદરડા ગામને હરિયાળું બનાવવા માટે મોરબીની ગાયત્રી પરિવાર સંસ્થાએ બીડું ઉઠાવ્યું હતું. જેમાં ગ્રામજનોના સહયોગથી આ સંસ્થાએ ગામમાં હરિયાળી ક્રાંતિ સર્જી છે. આ અંગે ગાયત્રી પરિવારના સહયોગી અને મોરબી મળિયા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના અગ્રણી મનુંભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, ગાયત્રી પરિવાર સંસ્થાએ સમગ્ર દેશમાં પર્યાવરણના જતન માટે એક કરોડ જેટલા વૃક્ષ વાવવાનું અભિયાન ઉઠાવ્યું છે. જેના ભાગરૂપે આ સંસ્થાએ ગ્રામજનોની મદદથી તાજેતરમાંમાં માળીયાના ચાચાવદરડા ગામને નંદનવન બનાવ્યું છે. ચાચાવદરડા ગામમાં 35 વિધાની જમીન ખરાબાની હતી. જેમાં કોઈ ઉપયોગ થતો ન હતો.આથી આ ખરાબાની જગ્યાને એકદમ જેસીબી સહિતની મદદથી એક્દમ ચોખ્ખી કરી નાખી હતી. બાદમાં સંસ્થા અને ગ્રામજનોએ એ જગ્યા ઉપર લીંબડો, પીપળો જેવા ઘટાદાર વૃક્ષના 700 રોપાનું વાવેતર કર્યું હતું. હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. એટલે વરસાદથી આ વૃક્ષા હર્યાભર્યા લીલાછમ બની જશે. તેમજ ગામના યુવાનોએ વાવેલા વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરશે. આમ આ ખરાબાની જગ્યા હવે લીલીછમ હરિયાળી બની જશે.