સતત વિકસિત થતા જિલ્લામાં ગુનાખોરી રોકવા સશક્ત પોલીસ દળની તાતી જરૂરિયાત મોરબી : મોરબી જિલ્લો ઔધોગિક રીતે સમૃદ્ધ હોવાથી આપબળે વિકસિત થઈ રહ્યો છે. પણ હમણાંથી જે રીતે ગુનાખોરીનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે તે જોતા મોરબીને ક્રાઇમ નગરીનું કલંક લાગે તેવી ભીતિ સર્જાઈ છે. આથી ગુનાખોરી અટકાવવા માટે મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશનની સુવિધા વધારકાની માંગ સાથે ભાજપે ગૃહમંત્રીને રજુઆત કરી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ તાજેતરના મોરબીની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ લેખિતમાં રજુઆત કરી હતી. જો કે, આ ગૃહમંત્રી સમક્ષ ટ્રાફીકથી માંડીને ગુનાખોરી અને ઉધોગો સહિતના થોકબંધ પ્રશ્નોની રજુઆત થઈ હતી. ખાસ કરીને ચોરી, લૂંટફાટ સહિતની ગુનાખોરી વધી હોવાની ફરિયાદોનો પણ ધોધ વરસ્યો હતો. મોરબી જિલ્લા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરીનું નામોનિશાન જ ન રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખે મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશન વધરાવાની રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લો સતત વિકસિત થતો હોય પોલીસ સ્ટેશન તેમજ આઉટ પોલીસ સ્ટેશનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો ગુનાખોરી મહદઅંશે નિવારી શકાશે. મોરબી જિલ્લામાં બીજી એક ડિવિઝનની ઓફીસ, મોરબી તાલુકા મોટો વિસ્તાર હોય બીજું પોલીસ સ્ટેશન બનાવવા, જિલ્લાની પોલીસ ચોકીને અપગેડ કરવી અને આઉટ પોસ્ટ ચોકીઓ કરવાની માંગ કરી છે.