એક તો મસમોટા ખાડા અને ઉપરથી ભરેલા પાણી છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં, બાજુના સીરામીકમાંથી નીકળતા પાણીને કારણે રોડ ઉપર ભરાતા તલાવડા મોરબી : મોરબીના મકનસર નજીક નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકોને અપરંપાર હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, એક તો આ નેશનલ હાઇવે ઉપર ખાડા અને ઉપરથી બાજુના સીરામીકમાંથી નીકળતું પાણી ખાડામાં તલાવડાની જેમ ભરાતું હોય વાહન ચાલકોને કેડ ભાગી જાય છે. વારંવાર ખાડામાં વાહનો ખાબકતા હોવાથી વાહન ચાલકોને નાની મોટી ઇજા થતી હોવા છતાં સંબધિત તંત્ર જાણી જોઈને આ સમસ્યાને નજરઅંદાજ કરતા લોકોને મુશ્કેલ વેઠવા સિવાય છૂટકો જ નથી. મોરબીના મકનસર પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર મસમોટા ગાબડા પડ્યા છે. આ ગાબડા તો વાહન ચાલકો માટે શિરદર્દ સમાન છે. આટલું ઓછું હોય એમ મકનસર પાસે આવેલ એક સીરામીક કારખાનામાંથી ગંદુ પાણી નીકળે છે. આ પાણી રોડ ઉપર વહે છે. એટલે મકનસર પાસે નેશનલ હાઇવેમાં જ્યાં ઠેરઠેર મસમોટા ગાબડા પડ્યા છે. તેમાં આ કારખાનાનું ગંદુ પાણી જમા થઈને બારેમાસ સરોવરની જેમ ભરાઈ રહે છે. એક તો ખાડા અને ઉપરથી છેલ્લા બે વર્ષથી એ ખાડામાં ભરાતા પાણીને કારણે વાહન ચાલકો દરરોજ ફસાઈ જાય છે. નેશનલ હાઇવે હોય ટ્રક જેવા માલ હેરફેરના વાહનો વધુ નીકળતા હોય ત્યારે આવા વાહનો ખાડામાં ફસાઈ જાય તો મોટું નુકસાન થાય છે. દરરોજ વાહનો આ પાણી ભરેલા ખાડામાં કથ્થક નૃત્ય કરતા ચાલતા જોવા મળતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.