પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી થશે : મણીમંદિર, રણજીત વિલાસ પેલેસ યોગ દિવસની ડોક્યુમેન્ટરીનું ફિલ્માંકન કરાશે મોરબી : મોરબી જિલ્લામાં કાલે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કાલે વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં 3 હજાર લોકો યોગ કરી મન તંદુરસ્તી મેળવશે. જ્યારે જિલ્લામાં આશરે 1.5 લાખ લોકો યોગ કરશે. મોરબીના હેરીટેજ મણીમંદિર અને રણજીત વિલાસ પેલેસમાં પણ યોગ કરાશે. કાલે વિશ્વ યોગ દિવસની મોરબી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાની મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે તેમજ જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા તાલુકામા ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની દરેક સરકારી અર્ધ સરકારી કચેરી, હોસ્પિટલો, પીએસસી, સીએચસી, વિવિધ સંસ્થાઓ, શાળા કોલેજ સહિત તમામ જગ્યાએ યોગ કરવામાં આવશે.અને 1.5 લાખથી વધુ લોકો યોગ કરી તન અને મનની તંદુરસ્તી મેળવશે. જ્યારે કાલે ૨૧ જૂને પ્રદર્શિત થનારી ડોક્યુમેન્ટરી માટે મોરબી જિલ્લાના બે સ્થળો પર શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ તેમજ મોરબીમાં આવેલ મણીમંદિરનો સમાવેશ કરેલ છે. કાલે પણ આ સ્થળે નગર પાલિકા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે જો કે જિલ્લાભરમાં કાલે યોગ દિવસની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિશ્વ યોગ દિવસની સાર્થક રીતે ઉજવણી કરવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ સંસ્થાઓ અને પદાધિકારીઓ પણ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.