રાજ્યના પર્યટન, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળો ઉપર યોગ દર્શાવતી ડોક્યુમેન્ટરી 21 જૂને રજૂ થશે મોરબી : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અદાણી ફાઉન્ડેશનના સીએસઆર સહયોગથી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતના પર્યટન, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળો પર યોગ સાથે એક ડોક્યુમેન્ટરી બની રહી છે. જેમાં મોરબીના પર્યટન સ્થળોનો સમાવેશ કરાયો છે. આગામી ૨૧ જૂને પ્રદર્શિત થનારી ડોક્યુમેન્ટરી માટે મોરબી જિલ્લાના બે સ્થળો પર શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ તેમજ મોરબીમાં આવેલ મણીમંદિરનો સમાવેશ કરેલ છે. આ દસ્તાવેજીકરણનું શૂટિંગ ખાનગી કંપની મૂવિંગ પિક્સેલ દ્વારા તેમજ પૂરી વ્યવસ્થા જિલ્લા રમત-ગમત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. તેમજ પૂરું શૂટિંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સાધકોને લઈને કરવામાં આવ્યું હતું. જેમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજી ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય, ટંકારા તાલુકાના યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા તેમજ મોરબીમાં ટીમ લીડર દિલીપભાઈ કંજારીયા, યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણી, પ્રજ્ઞાબેન ધોરીયાણી, દેવાંશી મારવણીયા, પ્રદીપસિંહ રાઠોડની અલગ-અલગ ટીમનું નેતૃત્વ કરી દરેક સાધકોને યોગાસનની ટ્રેનિંગ આપી શૂટિંગ માટે તૈયાર કર્યા હતા. ઉપરોક્ત બધી ટીમનું નેતૃત્વ તથા આયોજન મોરબી જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર વાલજી ડાભી કર્યું હતું. યોગ સાધકોની વ્યવસ્થા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે સંભાળી હતી. આ દસ્તાવેજીકરણ દ્વારા ગુજરાત સમગ્ર ભારતમાં તેમજ પુરા વિશ્વમાં યોગની સાથે સાથે પર્યટન, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળોની ભારતીય સંસ્કૃતિને પ્રદાન કરશે અને પ્રધાનમંત્રીના ભારતને વિશ્વ ગુરુ બનવાના સપનાને સાકાર કરશે.