મોરબીઃ હાલ વરસાદી માહોલના કારણે અવાર નવાર વીજળી ગુલ થવાના પ્રશ્નો ઉભા થતાં હોય છે ત્યારે દરેક પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીઓના કર્મચારીઓ તેમજ અધિકારીઓ તમામ ગ્રાહકોને અવિરત વીજ પૂરવઠો મળે તે માટે 108ની જેમ સતત પ્રયત્નશીલ હોવાનો વિજતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં ગઈ કાલે તા. ૧૭ જૂનના રોજ કુલ ૪૭૧ ફોલ્ટ આવેલા હતાં અને બધા જ ફોલ્ટ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ રીપેર કરીને વીજ પુરવઠો કાર્યરત રાખ્યો હોવાનું જણાવાયું છે. વીજ તંત્રના જણાવ્યા મુજબ આ ઉપરાંત કુલ ૫૬ ફીડરો ફોલ્ટમાં હતા જે તમામ રીપેર કરીને તેમાંથી ૧૦ ફિડરો માત્ર બે કલાકની અંદર રીપેર કર્યા હતા. તેમજ કુલ ૨૮ ટ્રાન્સફોર્મરો ફેઈલ થયેલા હતા જે પૈકી પીજીવીસીએલ મોરબીના કર્મચારી દ્વારા ખુબ જ મહેનત કરીને ૦૮ ટ્રાન્સફોર્મરો સ્થળ પર જ રીપેર કરી આપવામાં આવ્યા હતા અને બાકીના ૨૦ ટ્રાન્સફોર્મરો ૨૪ કલાકની અંદર બદલવાની કામગીરી કરવામાં આવી હતી. વીજ પૂરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની પેટા વિભાગીય કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર બી.આર.વડાવીયાએ જણાવ્યું છે. મહત્વનું છે કે, પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી હેઠળ કુલ ૪ વિભાગીય કચેરીઓ અને ૧૮ પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. જેમાં મોરબી જિલ્લાના ૫ તાલુકાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૧ તાલુકામાં વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. સદર વીજ વિતરણની કામગીરી માટે આશરે 16246 કિલોમીટર ભારે દબાણ વાળી વીજ લાઈન તેમજ 6034 કિલોમીટર હળવા દબાણ વાળી વીજ લાઈન અને 63278 ટ્રાન્સફોર્મર મારફત 345 ગામોના આશરે 3,47,221 ગ્રાહકોને અવિરત વીજ પૂરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરાયેલી હોવાનો દાવો વિજતંત્રએ અખબારી યાદીમાં કર્યો છે.