નટરાજ ફાટકની બન્ને બાજુએ પોણો કિમિ સુધી વાહનોની કતારો લાગી, વહેલી ફાટક બંધ કરવાની કાયમી સમસ્યા મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે ટ્રેન પસાર થવાના સમયે ઘણા સમયથી વહેલી ફાટક બંધ કરવાના રેલવેના મનસ્વી નિર્ણયથી લોકોને ભારે હાલાકી પડે છે. આજે પણ ટ્રેન નીકળવાના સમયે નટરાજ ફાટક-10-15 મિનિટ વહેલી બંધ કરી દેતા ટ્રાફિકની હાડમારી સર્જાઈ છે. મોરબી અને સાંમાકાંઠાને જોડતી મુખ્ય કડી નટરાજ ફાટકે દીવસમાં અનેક વખત ટ્રેનો પસાર થાય છે. પરિણામે ટ્રાફિક ન અવરોધાય તે માટે ફાટક નીચે રસ્તો કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાટકની આગળ મોરબી તરફ જવાના માર્ગ ઉપર અવરજવરના બે પુલ તેમજ નીચે નદી ઉપર બેઠો પુલ છે. આટ આટલી સુવિધા છતાં નટરાજ ફાટકે ટ્રેન નીકળવાના સમયે ભારે ભીડ થાય છે. તેનું મુખ્ય કારણ ટ્રેન આવવાની હોય તે પહેલાં એટલે કે 10-15 મિનિટ ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેથી અમુક લોકો ટ્રેન નીકળવાની રાહ જોતા ફાટક પાસે ઉભા રહે છે. બાકીના મોટાભાગના વાહનો ફાટક નીચેથી નીકળે તો ત્યાં પણ વધુ વાહનોના ભરાવાથી એક એક વાહન માંડ માંડ નીકળે છે. આ બધી અડધી કલાક સુધી માથાકૂટ થયા બાદ ટ્રેન નીકળતા ફાટક ખુલવવાથી ટ્રાફિક બધો જ એક સામટો નીકળવાની કોશિશ કરે તો ટ્રાફિકની પરિસ્થિતિ ઘણી નાજુક બની જાય છે. વધુ ટ્રાફિક પોલીસ પણ ઘણીવાર ન હોવાથી ટ્રાફિક આડેધડ જ ચાલતો હોય છે. આ કાયમી સમસ્યા ઉકેલવવા માટે તંત્ર કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ કરી છે.