જાહેર જનતાની સલામતી માટે જર્જરિત ટાઉનહોલને તાળાં મારવાની નોબત મોરબી : મોરબી નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની જાણ્યે અજાણ્યે ઘોર બેદરકારીને કારણે નવા કરેલા કોઈપણ કામ જાજો સમય ટકતા ન હોવાની વધુ એક વાર પોલ ખુલી છે. જેમાં ટાઉનહોલને કોરોડોના ખર્ચે રીનોવેશન કર્યા બાદ દોઢ વર્ષના ટૂંકાગાળામાં આ ટાઉનહોલની પથારી ફરી ગઈ છે. તેમાંય ટાઉનહોલની ખુરશીઓ, એસી સહિતનો સર સામાન એટલી હદે જર્જરિત થઈ ગયો છે કે નગરપાલિકાને જાહેર હિતની સલામતી માટે આ ટાઉનહોલને હાલ તુરંત બંધ કરવાની નોબત આવી છે. દોઢ વર્ષના ટૂંકાગાળામાં નવા ટાઉનહોલની આવી દશા થઈ જતા છાને ખૂણે કશું રંધાઈ ગયું હોવાની અટકળોએ જોર પકડ્યું છે. મોરબી નગરપાલિકાના સંચાલિત અને નગરપાલિકા કચેરી અંદર જ આવેલ મહેન્દ્રસિંહજી ટાઉનહોલ 2001ના ભૂકંપ પછી ધીરે ધીરે ખરાબ થઈ જતો હોવાથી અંતે દોઢ વર્ષ પહેલાં નગરપાલિકાની બોડી દ્વારા નિર્ણય લઈને આ ટાઉનહોલનું રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે રૂ.1.25 કરોડના ખર્ચે ટાઉનહોલનું ધરમૂળથી રીનોવેશન કરવામાં આવ્યું હતું અને આ ટાઉનહોલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે આરામદાયક ખુરશી, આધુનિક સ્ટેજ, આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને એસી સહિતની ચકા ચોંઘ હાલત જોતા એવું લાગતું હતું કે આ ટાઉનહોલને હવે વર્ષો સુધી કોઈ વાંધો નહિ આવે પણ આ આશા ઠગારી નીવડી અને દોઢ વર્ષ માંડ થયા ત્યાં જ ટાઉનહોલની એકદમ ખરાબ હાલત થવા લાગી હતી. ટાઉનહોલના રિનોવેશનમાં કોન્ટ્રાકટરોએ લોટ પાણીને લાકડા જેવી હલકી કક્ષાની કામગીરી કરી હોવાનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. ખુરશીઓ અસ્ત વ્યસ્ત કે તૂટી ગઈ છે. તેમજ એસી પણ બંધ થઈ ગયું છે. ટૂંકમાં ટાઉનહોલનો ટૂંકાગાળામાં સત્યાનાશ થઈ ગયો છે. હાલ ટાઉનહોલમાં ઉપરથી અને અંદર પણ પોપડા ખરતા હોવાથી લોકોની સલામતીને ધ્યાને લઈને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આ ટાઉનહોલને બંધ કરી દીધો છે. રૂ.1.25 કરોડનો ખર્ચ પાણીમાં ગયો એના માટે કોણ જવાબદાર? પગલાં લેવાશે ટાઉનહોલ જાહેર જનતા માટે ખૂબ જ ઉપયોગી અને સાનુકૂળ વ્યવસ્થા છે. જાહેર કાર્યક્રમો ગોઠવી શકાય તે માટેની સારી સુવિધા છે. એ સુવિધાની જાળવણી કરવાની જવાબદારી તંત્રની છે. રીનોવેશન કર્યા બાદ પણ ખરાબ રીતે કામ થયું હોય તો તંત્ર જવાબદારો સામે કાર્યવાહી કરી શકે એમ છે. અહીં તો 1 25 કરોડનો ખર્ચ પાણીમાં ગયો છતાં તંત્રએ આ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચારી છે. તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી સ્થિતિ વચ્ચે પ્રજાના પરસેવાના પૈસા તો એળે ગયા ઉપરથી સુવિધા છીનવાઈ ગઈ એ લટકામાં..