હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે ગતરાત્રીના હથિયાર સાથે સ્વીફ્ટ કારમાં ધસી આવેલા ચુલી ગામના ત્રણ શખ્સોએ આતંક મચાવી ગામના જ એક વ્યક્તિને સ્વીફ્ટ સાથે ઢસડી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા પ્રભુભાઈ નાનુભાઈ કાચરોલાએ હળવદ પોલીસ મથકમાં લેખિત અરજી કરતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સુમારે ચુલી ગામના ત્રણ નશાખોર શખ્સો તેમના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના ભાઈને મારવા માટે ધારીયા, તલવાર સહિતના હથિયાર સાથે નીચે ઉતરી અમારી વચ્ચે કોઇ ન આવતા તેવો દેકારો કરતા લોકો એકત્રિત થઈ ગયા હતા. વધુમાં આ ત્રણેય નશાખોર શખ્સોને સમજાવવા છતાં પણ ફરિયાદી પ્રભુભાઈ નાનુભાઈ કાચરોલાને મારવા લઈ ત્રણેય શખ્સોએ હંગામો ચાલુ રાખતા ગામના અન્ય લોકો આવી જતા આ ત્રણેય નશાખોર સ્વીફ્ટ કારમાં નાસી ગયા હતા અને સાથે સાથે પ્રભુભાઈ નાનુભાઈ કાચરોલાને ગાડી સાથે ઢસડતા તેમને ઇજાઓ પહોંચતા આ મામલે હળવદ પોલીસ મથકમાં લેખિત અરજી ફરિયાદ કરી છે.