મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં હરિપર, પીપળીયારાજ, ધરમપુર ગ્રામ પંચાયતના બજેટ મંજુર ન થતા પંચાયત સુપરસિડ કરવા તજવીજ મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની યોજયેલી બેઠકમાં હરિપર, પીપળીયારાજ, ધરમપુર ગ્રામ પંચાયતના બજેટ મંજુર ન થતા પંચાયતને વિસર્જન એટલે સુપરસિડ કરવા વિકાસ કમિશનરની આવેલી ભલામણને અભિપ્રાય આપીને આ ગ્રામ પંચાયતને સુપરસિડ કરવા તજવીજ હાથ ધરાઈ છે. કોના બાપની દિવાળીની જેમ પ્રજાના પૈસે જિલ્લા પંચાયતના સતાધીશો માટે 9 એસી ખરીદવાનો નિર્ણય લેવાયો છે. કારોબારી બેઠકમાં ટંકારાના અમરાપરના ખોડિયાર ચેકડેમનું રૂ.15.94 લાખના ખર્ચે રિપેરીગ, જિલ્લા પંચાયતના બિલ્ડીંગની જાણવણી માટે ટેન્ડર, પ્રમુખ, બાંધકામ, સિંચાઈ સમિતિના ચેરમેન, સમાજ કલ્યાણ અને બાળ કલ્યાણના ચેરમેન, કારોબારી સમિતિના અધ્યક્ષ, આરોગ્ય અધિકારીઓની ચેમ્બરમાં એસી હોવા છતાં પ્રજાના પૈસાનો ધુમાડો કરવા વધારાના 9 એસી ખરીદવા, મોરબી તાલુકામાં કોઝવે, પીવીસી પાઇપલાઇન, પેવર બ્લોક, પીવાના પાણીની લાઈન, ગાળાથી હરિપરના રસ્તે કોઝવે, જીકયારીમાં સ્મશાન, ચકમપરમાં સ્મશાન, પેવર બ્લોકના કામો મંજુર કરાયા હતા. વાંકાનેર તાલુકામાં સિક્યુપીઓના બિલ્ડીંગના કામમાં એજન્સીને છૂટી કરવા, ગ્રામ પંચાયત કણકોટનઆ કામની એજન્સીને છૂટી કરવા, હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના પશુ દવાખાનાનું કામ કરતી એજન્સી ધીમી ગતિએ કામ કરતી હોય સમયસર કામ પૂરું કરી શકે એમ ન હોય આ એજન્સી મહાદેવ કન્ટ્રક્શનને બ્લેક લિસ્ટ કરી બીજાને કામ સોંપવા, હાલમાં પશુઓમાં ફાટી નીકળેલા રોગ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ કારોબારી બેઠકમાં ચેરમેન જયંતિભાઈ પડસુબિયા, ડીડીઓ પી.જે.ભગદેવ, ડે, ડીડીઓ ઇલાબેન ગોહિલ, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.