એસટીના કમાઉ દીકરા જેવા મોરબી ડેપોમાં અપૂરતી અને ખખડધજ બસોને કારણે મુસાફરોને હેરાનગતિ મોરબી : રાજ્યના એસટી નિગમના કમાઉ દીકરા જેવા મોરબી એસટી ડેપોને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે ત્યારે ભોગવવાનું મુસાફરોના ભાગે આવે છે. ખખડધજ એસટી બસના ડાલા સમયસર ચાલતા ન હોવાની સાથે ગમે ત્યારે બંધ થઈ જતા હોય આજે સવારે આવા જ એક કિસ્સામાં મુસાફરોને નટરાજ ફાટકે એસટીને ધક્કા મારી પરસેવો પાડવો પડ્યો હતો. ભંગાર અને ખખડધજ એસટી બસ માટે જાણીતા મોરબી એસટી ડેપો અવાર-નવાર ચર્ચાના એરણે ચડે છે ત્યારે આજે વહેલી સવારે મોરબી - ગોધરા રૂટની એસટી બસ નટરાજ ફાટકે બંધ પડી જતા મુસાફરોને ભંગાર એસટી બસને આગળ - પાછળ ધક્કા મારી ચાલુ કરાવી હતી. ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર એસટીનું સર્કસ ચાલુ થતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.