નગરપાલિકા લાયન્સનગરમાં રોડ ઉપર આડેધડ ખડકાયેલા દબાણો દૂર કરીને નિયમ મુજબ રોડ બનાવે તેવી લોક માંગ મોરબી : મોરબી નગરપાલિકાની આડેધડ કામ કરવાની બેદરકારીનો વધુ એક નાદાર નમૂનો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના છેવાડાના વિસ્તાર એવા લાયન્સનગરમાં નગરપાલિકા તંત્રએ રોડ ઉપરના દબાણો હટાવ્યા વગર જ આડેધડ રોડનું કામ ચાલુ કરી દેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી સ્થાનિકોએ પહેલા રોડ ઉપર આડેધડ ખડકાયેલા દબાણો દૂર કરીને નિયમ મુજબ રોડ બનાવવાની માંગ કરી છે. મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગર અને ગોકુળનગર વિસ્તારના મેઈન રોડનું નગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ રોડ ઉપર આડેધડ ખડકાયેલા દબાણો દૂર કર્યા વગર જ તંત્રએ રોડ બનાવવાની કામગીરી શરૂ કરતાં તંત્રની આડેધડ કામ કરવાની નીતિનો વિરોધ ઉઠ્યો છે. જેમાં સ્થાનિકોને જણાવ્યા મુજબ આ રોડ એક સાઈડમાં 30 ફૂટ બનાવવાનો છે. જ્યારે બીજી સાઈડમાં 30 ફૂટનો રોડ બનાવવાની જગ્યાએ ક્યાંક 19 ફૂટ, ક્યાંક 16 ફૂટ તો ક્યાંક 23 ફૂટનો રોડ થાય થાય છે. ખરેખર રોડ કેટલા માપનો બનાવવાનો છે એ નક્કી જ નથી. જોકે મહત્વનો સવાલ એ છે કે રોડનું ખરેખર માપ શુ છે એ કોઈને ખબર નથી. એનું કારણ રોડ ઉપર દબાણો ખડકાયેલા છે. આ દબાણો દૂર કર્યા વગર રોડનું કામ થશે તો રોડ નિચો બનશે અને વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાશે. તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.