રેલવે ટ્રેક ઉપર ઈટ-પથ્થરના ખડકલા કરી ટ્રેન ઉથલાવવા પ્રયાસ અંગે રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ મોરબી : ગઈકાલે મોડીરાત્રે વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવી નાખવા રેલવે ટ્રેક ઉપર ઈટ-પથ્થરનો ખડકલો કરી દેવામાં આવતા મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. ટ્રેનના પાઇલોટની સમય સૂચકતાથી દુર્ઘટના અટકી હતી. આ મામલે મોરબી ખાતે ફરજ બજાવતા રેલવે અધિકારીએ રાજકોટ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ રેલવે પોલીસમથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે જાહેર કર્યું હતું કે, વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી અને બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી. દરમિયાન પોણા ચાર વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. આ ગંભીર ઘટના અંગે સલીમભાઇએ રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જો કે આ બનાવમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું નહિ હોવાનું બહાર આવ્યું છે. રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી.હાલ આ મામલે રેલવે અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.