હળવદના રણછોડગઢ ગામે બનેલા બનાવમાં જમાઈના ભાઈને માથામાં લોખંડની સાફટીન ફટકારાઈ હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પિતાના ઘેર રિસામણે ગયેલી પત્નીને સમજાવવા ગયેલા જમાઈને સસરા અને સાળાએ લમધારી નાખવાની સાથે વચ્ચે પડેલા જમાઈના ભાઈ ઉપર લોખંડની સાફટીન વડે હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ રહેતા કાળુભાઇ કરશનભાઇ દેઢરીયા, ઉ.35એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના નાનાભાઈ મહેશભાઈની પત્ની નિતુબેન બે દિવસ પહેલા રિસામણે ચાલી ગઈ હોવાથી મહેશભાઈ તેના સસરાના ઘેર પત્નીને સમજવવા ગયા હતા. વધુમાં મહેશભાઈ તેના સસરાના ઘેર ગયા હોવાની જાણ થતાં કાળુભાઇ પણ ત્યાં પહોંચતા મહેશભાઈના સાળા અજીતભાઇ પ્રેમજીભાઇ વાવેચા અને સસરા પ્રેમજીભાઇ મુળજીભાઇ વાવેચાએ ઝઘડો કરી કાળુભાઇના માથામાં લોખંડની સાફટીનનો ઘા મારી દેતા પાંચ ટાકા આવ્યા હતા જ્યારે મહેશભાઈને આંખ ઉપર લાકડાનો ધોકો મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે હળવદ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,,૫૦૪,૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.