લોકોને આવાસ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ગાર્ડનીંગ, વોટર સપ્લાય, રસ્તાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬૧ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવાસના ફાળવણી પત્રોનો વિતરણ કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ ઘટક અન્વયેના ૬૧ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવાસ, ફ્લેટના સરકાર વેબ પોર્ટલ પરથી ઓનલાઈન પદ્ધતિથી તૈયાર થયેલ ફાળવણી પત્રો આપવામાં આવ્યા હતા. આવા આવાસોમાં મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઈ.ડબલ્યુ.એસ. ધરાવતા લોકોને આવાસ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા ગાર્ડનીંગ કેમ્પસ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટીંગ, વોટર સપ્લાય, ભુગર્ભ ગટર, વિશાળ પાર્કિગ, રસ્તાઓ સહિત આંતરમાળખાકીય સુવિધાઓ પણ આવાસ યોજનાઓમાં આપવામાં આવેલ છે. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સેવાકાર્યો જે પ્રજા માટે કરવામાં આવે છે તેના અવિરત લાભો છેવાડાના માનવીને મળે અને જરૂરીયાતમંદ લાભાર્થી તેનો વધુને વધુ લાભ મેળવે તેવી નગરજનોને અપીલ કરી હતી તેમજ ઉમેર્યું હતું કે જરૂરીયાતમંદ લોકોની જરૂરીયાત સંતોષવા નગરપાલિકા અને નગરસેવકો હંમેશા સજાગ અને કટિબદ્ધ છે. આવાસ યોજનાના લાભાર્થી હેમીબેન પરમારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પોતાના મકાન માટે ચિંતિત રહેતા હતા પરંતુ આજે આ આવાસનું સોપણી પત્રક મેળવવાથી તેઓની વર્ષોની ચિંતાનો અંત આવ્યો હતો અન્ય લાભાર્થી નયનાબેન નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે પરંતુ હવે આ આવાસ મળવાથી ભાડા ભરવામાંથી મુક્તિ મળશે અને તે રકમ તેમના બાળકોના ભણતર અર્થે ઉપયોગમાં લઈ શકાશે. આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા, અગ્રણી મગનભાઈ વડાવીયા, સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા, મંજુલાબેન દેત્રોજા, જયુભા જાડેજા તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો, કર્મચારીઓ તેમજ લાભાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.