રંગપર બેલા ગામે બનેલી ઘટનામાં તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી મોરબી : મોરબીના રંગપર બેલા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરનાર યુવાનને આંતરી મહિન્દ્રા થાર ગાડીમાં આવેલા બે શખ્સોએ મૈત્રી કરાર પુરા કરી નાખજે નહિતર આટલી જ વાર લાગે કહી કારખાનેદાર યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં બન્ને આરોપીઓને ઝડપી લીધા હોવાનું નાયબ જિલ્લા પોલીસવડા પઠાણે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. મોરબીના રંગપર બેલા ગામે રહેતા અને તળાવિયા શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકનુ કારખાનું ધરાવતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાને મહિન્દ્રા થાર ગાડીમાં આવેલા નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ, રહે. મુળ.તળાવિયા શનાળા હાલ-ઉમા ટાઉનશીપ, મોરબી અને યોગેશભાઇ બરાસરા રહે. મૂળ.નશીતપર હાલ.મોરબીવાળાએ અસ્મિતા સાથે મૈત્રી કરાર પુરા કરી અસ્મિતાથી દૂર રહેવા ધમકી આપી ગૌતમભાઈના પગ પાસે ગોળીબાર કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જો કે, ફાયરિંગ સમયે ગૌતમભાઈ દૂર ખસી જતા કોઈ ઈજાઓ થઇ ન હતી. ઘટના અંગે કારખાનેદાર ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઇ બરાસરા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્ને આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું નાયબ જિલ્લા પોલીસવડાએ જાહેર કર્યું હતું.