મોરબીના રંગપર બેલા નજીક મૈત્રી કરાર કરનાર પરિણીતાના પતિ અને અન્ય શખ્સ થાર ગાડીમાં આવી ઘટનાને અંજામ આપતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબીના રંગપર બેલા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરનાર યુવાનને આંતરી મહિન્દ્રા થાર ગાડીમાં આવેલા બે શખ્સોએ મૈત્રી કરાર પુરા કરી નાખજે નહિતર આટલી જ વાર લાગે કહી કારખાનેદાર યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગંભીર બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં પરિણીતાના પતિ સહીત બે શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર બેલા ગામે રહેતા અને તળાવિયા શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકનુ કારખાનું ધરાવતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા ગઈકાલે બપોરે ઘરેથી જમીને પરત આવતા હતા ત્યારે બેલા (રંગપર) ગામની સીમમાં ખહલીમાતાના મંદીર પાસે સામેથી આવતી મહિન્દ્રા થાર ગાડીના ચાલકે ગૌતમભાઈને ઈશારો કરી મોટર સાયકલ ઉભું રાખવા કહેતા ગૌતમભાઈ ઉભા રહી ગયા હતા. દરમિયાન મહિન્દ્રા થાર ગાડીમાંથી નીચે ઉતરેલા નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ, રહે. મુળ.તળાવિયા શનાળા હાલ-ઉમા ટાઉનશીપ, મોરબી અને યોગેશભાઇ બરાસરા રહે. મૂળ.નશીતપર હાલ.મોરબીવાળાએ ગૌતમભાઈને કહ્યું હતું કે તે અસ્મિતા સાથે મૈત્રી કરાર કર્યા છે તે અસ્મિતા યોગશની પત્ની છે અને બે વર્ષથી રિસામણે બેઠેલી છે. તું એને છોડી દેજે નહીં તો આટલી જ વાર લાગે એમ કહી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલે પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી ગૌતમભાઈના પગ પાસે ગોળીબાર કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જો કે, ફાયરિંગ સમયે ગૌતમભાઈ દૂર ખસી જતા કોઈ ઈજાઓ થઇ ન હતી. ઘટના અંગે કારખાનેદાર ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઇ બરાસરા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.