છાસવારે બનતી ઘટનામાં સીરામીક ઉદ્યોગકારોએ મોડીરાત્રે એસપી કચેરીએ સામુહિક રજુઆત કરી : સામાપક્ષે હુમલો અને એટ્રોસીટી અંગે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી નજીક રફાળેશ્વર પાસે સામાન્ય બાબતમાં સીરામીક ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવી કાર ઉપર હુમલો કરી રૂપિયા 2.95 લાખની લૂંટની ઘટનામાં ત્રણ ઉદ્યોગકારોને ઇજા પહોંચતા મોડી રાત્રીના એસપી કચેરી ખાતે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો એકત્રિત થયા બાદ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં હુમલો અને લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ સામાપક્ષે એટ્રોસીટી એક્ટ અન્વયે ઉદ્યોગકારો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફળેશ્વર પાસે થયેલી બબાલની પ્રથમ ફરિયાદમાં સીરામીક ઉધોગપતિ અને મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ હર્ષદભાઈ, કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા, અને પાર્થભાઈ સાથે જી.જે.23 બી.એલ. 8171 નબરની કારમાં સીરામીક કારખાનાના હિસાબના રૂ.2.95,000 લઈને ઘર તરફ જઈ રહ્યા હતા અને રફાળેશ્વર નજીક પહોંચતા જી.જે.36 એફ 0527 નબરની કાર તેમની કાર સાથે અથડાવી આ કારમાં રહેલા સુલતાન, અજય, ગૌતમ મકવાણાએ ફરિયાદીની કાર ઉપર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીને માર મારી તેમની પાસે રહેલા રૂ.2.95 લાખ પડાવી લીધા હતા અને આરોપી સુલતાન, અજય, ગૌતમ મકવાણા તથા બે અજાણ્યા શખ્સોએ છુટા પથ્થરોના ઘા મારી ફરિયાદી સાથે રહેલા હર્ષદભાઈ, કિરીટભાઈ, પાર્થભાઈ સહિતનાને ઇજા કરી હતી. જ્યારે પ્રતીકને ગૌતમ મકવાણાએ ગળું પકડી માથામાં પથ્થર માર્યો હતો. બીજી તરફ સામાપક્ષે મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણાએ આરોપી સ્કોડા કાર ચાલક અને દીપભા ગઢવી તેમજ ખીમભા ગઢવી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સ્કોડા કાર ચાલકે રોગ સાઈડમાં કાર ચાલવી ફરિયાદી ગૌતમની કાર સાથે અથડાવી કારમાં બેઠેલા ફરિયાદીના મિત્રો પારસ ઉર્ફે સુલતાન સાથે માથાકૂટ કરી ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી ખીમભા ગઢવીએ અજયને માર મારી તેમજ આરોપી ઉપ સરપંચ દીપભા ગઢવી અને અન્ય 10 અજાણ્યા શખ્સોએ લાકડી, ધોકા, તલવાર ધારીયા સાથે આવી ફરિયાદી તથા સાહેદને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.