રાજકોટ - મોરબી વચ્ચે અંદાઝે 100 જેટલી ટ્રીપ રદ થતા ખાનગી વાહન ચાલકોને બખ્ખા મોરબી : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા હોય રાજ્યભરમાંથી ભીડ એકત્રિત કરવા તમામ એસટી ડેપોમાંથી લોકલ રૂટ રદ કરી મોટાપ્રમાણમાં એસટી બસ નવસારી કાર્યક્રમમાં ગોઠવી દેવતા આજે રાજકોટ - મોરબીના મુસાફરોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે અને આવતીકાલે પણ આજ સ્થિતિ રહેનાર હોય લોકોને ખાનગી વાહનોમાં બેસી લૂંટાવું પડશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીની 15 અને વાંકાનેર ડેપોની 15 લોકલ - ઇન્ટરસીટી વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દેવતા અંદાઝે 100થી 150 દૈનિક ટ્રીપ બંધ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે વડાપ્રધાન નવસારી ખાતેના કાર્યક્રમમાં અંદાજે 4.5 લાખ જનમેદની ઉમટી પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાથી રાજ્યભરના એસટી ડેપોમાંથી બસ વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લામાંથી મોરબી ડેપોની 15 અને વાંકાનેર ડેપોની 15 બસ વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દેવતા આજે અને આવતીકાલે રાજકોટ મોરબી તેમજ મોરબીથી અન્ય ગામોમાં ચાલતા અસંખ્ય રૂટ રદ કરી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી વચ્ચે દોડતી મોટાભાગની ઇન્ટરસીટી બસનું સંચાલન વાંકાનેર ડેપોથી થતું હોય 15 બસ વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દેવતા અંદાજે દૈનિક 90 ટ્રીપ રદ થતા આજે વહેલી સવારથી રાજકોટ મોરબી અને મોરબી રાજકોટ વચ્ચેની ઇન્ટરસીટી લોકલ બસ અદ્રશ્ય થઈ જતા મુસાફરોને રઝડપાટ કરવાની સાથે ફરજીયાત ખાનગી વાહનમાં બેસી લૂંટવાનો વારો આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.