હાઇવે ઉપર આડેધડ માટીના ઢગલા કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આરટીઓ અને પોલીસ તંત્ર વામણું પુરવાર મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર માટી કે મોરમના ખડકલા કરીને મનમાની ચલાવતા ભારે વાહન ચાલકોએ આરટીઓ અને પોલીસ તંત્રને જાણે રોક શકો તો રોક લો ની જેમ પડકાર ફેકીને હાઇવે ઉપર માટીના ખડકલા કરવાનું યથાવત રાખ્યુ છે. હાઇવે ઉપર આડેધડ માટીના ઢગલા કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આરટીઓ અને પોલીસ તંત્ર વામણું પુરવાર થયું હોય એમ કોઈ કાર્યવાહી ન થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી આરટીઓ અને પોલીસ તંત્રનો જાણે કશો ડર જ ન હોય તેમ ઓવરલોડ ભારે વાહનો મનમાની ચલાવીને નેશનલ હાઇવે ઉપર માટીના ઢગલા ખડકી દે છે. જેમાં આજે પણ જાબુડિયા પાસે જ નવી આરટીઓ કચેરી પાસે જ હાઇવે ઉપર ભારે વાહન ચાલકોએ માટીનો ઢગલો ખડકી દીધો છે. તેમજ બીજો કુબેર ચોકડી પાસે નેશનલ હાઇવે ઉપર વચ્ચોવચ્ચ માટીનો ઢગલો કરી દીધો છે. રોડની વચ્ચોવચ્ચ માટીના ઢગલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમાંય રાત્રી દરમિયાન લાઈટ ન હોવાથી આ રોડની વચ્ચે પડેલા ઢગલથી અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ રહે છે. નેશનલ હાઇવે ઉપર માટીના ઢગલા હોવાથી અડધો રસતો બંધ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આરટીઓ અને પોલીસ તંત્ર આવા ભારે વાહન ચાલકોની મનમાની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.