કોરોના મહામારીની શિક્ષણ ઉપર અસર અંગે વિશ્લેષણ કરશે શિક્ષકો મોરબી : મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં શિક્ષકો માટે બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોરોના મહામારીની શિક્ષણ ઉપર અસર સહિતની બાબતો તેમજ શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. સમગ્રલક્ષી શિક્ષણને ધ્યાનમાં લઈને સાર્થક વિદ્યામંદિર વિવિધ પ્રકારના પ્રશિક્ષણ માટે હંમેશા કાર્યશીલ હોય છે. આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ/ ટ્રેનિંગ સેમિનાર આગામી તા.10 અને 11ના રોજ યોજાશે.જેમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. જેમકે કોરોનાકાળની વિદ્યાર્થીના શિક્ષણ પર થયેલી અસરો ,બ્રીજ કોર્સ ,વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ ,વાંચન- આધ્યાત્મ -સ્વાસ્થ્ય- ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આધુનિક સમયમાં શિક્ષણ માટેના પરિવર્તન અને પડકારો બાબતે ચર્ચા થશે .જુના તેમજ નવા આચાર્યોને કાર્યની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ કેટલાક શિક્ષણવિદો હાજર રહેનાર હોવાનું શાળા સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું.