હાલ આરોપીઓ સુધી દોરી જાય તેવી કડી મળી નથી,પણ વિવિધ દિશામાં તપાસને વધુ વેગ અપાયો મોરબી : માળીયા નજીક એસટી બસમાંથી આંગડિયા પેઢીના રૂ.62.50 લાખ ભરેલા થેલાની ઉઠાંતરી મામલે હજુ તપાસ ઠેરની ઠેર જ રહી છે. જો કે પોલીસે આરોપીઓને પકડવા માટે રાત દિવસ એક કરી રહી છે પણ આરોપીઓ સુધી દોરી જાય તેવી કોઈ નક્કર કદી મળી નથી. આથી પોલીસે તપાસની ગતિને વધુ વેગ આપીને સઘન તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલા સવારે રાપર રાજકોટ રૂટની એસટી બસમાં બેસી મોરબી રોકડ રકમ આપવા આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે માળીયા નજીક આવેલી હોટલ માધવ ખાતે ચા - પાણી પીવા નીચે ઉતરતા ચોર ગઠિયો બસમાં રહેલ રોકડ રકમનો થેલો લઈ પળવારમાં ગાયબ થઈ ગયો હતો. ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે ઉ.43 રહે.રાપર વાળા કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા 62.50 લાખ લઈને મોરબી ચૂકવણા માટે આવતા હતા અને માધવ હોટલ બસે સ્ટોપ કરતા કર્મચારી બેદરકારી દાખવી થેલાને રેઢો મૂકી નીચે ઉતરતા જ ચોર ગઠિયાએ તફડંચીને અંજામ આપ્યો હતો. આંગડિયા પેઢીના આ તડફચીની ઘટનામાં ત્રણ આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે અને સીસીટીવીમાં હળવદ તરફ બાઇકમાં ભાગી જતા હોવાનું પણ દેખાયું હતું. જો કે પોલીસે નાકાબંધી કરી હતી. પણ આરોપીઓ હાથમાં આવ્યા ન હતા. બીજી તરફ કર્મચારી ઉપર પણ શંકા જતા એની પણ ઉલટ તપાસ કરાઈ હતી. આ મામલે માળીયા પીએસઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી લેવા હાલ એલસીબી, એસઓજી, માળીયા પોલીસ સહિત છ ટીમ કામ કરી રહી છે. ટેક્નિકલ અને સીસીટીવીના આધારે હાલ સઘન તપાસ ચાલી રહી છે.