'દિલીપ સાથે દિલની વાત' શોમાં બ્રિજેશ મેરજાએ કરી દિલ ખોલીને વાત..વાંચો એકસક્લુઝિવ ઇન્ટરવ્યૂ મોરબીની જનતા માટે, મોરબીની જનતાનો થઈને, મોરબીની જનતા સાથે જીવનારો માણસ છું : મંત્રી બ્રિજેશભાઈ મેરજા બ્રિજેશ મેરજા એ રાજકારણ, વિધાનસભાની ચૂંટણી, મોરબીના વિકાસ કામો, સિરામિક ઉદ્યોગ, અંગત જીવનશૈલી વિશે મોકળા મને વાતચીત કરી વિધાનસભાની ચૂંટણીમાં જાન કોઇપણ નેતાની નીકળવાની હોય, તેનો અણવર બનવા તૈયાર છું : બ્રિજેશ મેરજા મોરબી : મોરબી અપડેટના સ્પેશિયલ શો 'દિલીપ સાથે દિલની વાત'માં મોરબીનું હિત હૈયે રાખનારા આગેવાનો મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા સાથે નિખાલસતા અને સહજતાથી વાતચીત કરે છે. ત્યારે 'દિલીપ સાથે દિલની વાત' ફેસબૂક લાઈવ શોના સેકન્ડ એપિસોડમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા એ રાજકારણ, વિધાનસભાની ચૂંટણી, મોરબીના વિકાસ કામો, સિરામિક ઉદ્યોગ, અંગત જીવનશૈલી વિશે ખુલ્લાં દિલે વાતચીત કરી છે. જેમાં પોલિટિશિયન બ્રિજેશભાઈ મેરજાનો સાહિત્યપ્રેમ ઉજાગર થાય છે. સાથોસાથ તેમની કાર્યનિષ્ઠા અને શિસ્તબદ્ધતાની પણ ઝાંખી થાય છે. કિશોરકાળમાં દુઃખીયારાની હ્રદયદ્રાવક કથામાંથી જરૂરિયાતમંદોની સેવાના બીજ રોપાયા મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા 'દિલીપ સાથે દિલની વાત' શોમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનું શાબ્દિક અભિવાદન કરી સ્પેશ્યલ એપિસોડનો આરંભ કરે છે. ત્યારે સૌથી પહેલાં બ્રિજેશભાઈ મેરજા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અંગે જણાવે છે કે રાજચંદ્રજીની જન્મભૂમિ વવાણીયા નજીક આવેલા નાના એવા ગામ ચમનપરમાં રહેતા ખેડૂત પરિવારમાં મારો જન્મ. કિશોરકાળમાં આદર્શ યુવક મંડળની લાયબ્રેરીમાં વિક્ટર હ્યુગો લિખિત 'લા મિઝરેબલ' (દુઃખીયારા) પુસ્તક વાંચેલું. આ પુસ્તકમાં આપેલી હ્રદયદ્રાવક કથા એટલી સ્પર્શી ગયેલી કે ત્યારથી મારા મનમાં જરૂરિયાતમંદોને ઉપયોગી થવાની ભાવનાના બીજ રોપાયા. યુવાવસ્થામાં સહકારી અગ્રણી વલ્લભભાઈ પટેલ સાથે ખેડૂતપુત્ર તરીકે પત્ર વ્યવહાર કરતો. જેના લીધે જાહેર જીવન પ્રત્યે લગાવ વધ્યો અને મારા જીવનનો માર્ગ રાજકીય કારકિર્દી તરફ વળ્યો. આવડત અને અનુભવનો લાભ વતન મોરબીને આપવા કોંગ્રેસ તરફથી ધારાસભાની ચૂંટણી લડયા વિરોધ પક્ષ કોંગ્રેસ અને સત્તા પક્ષ ભાજપ, બંને સાથે કામ કરવાનો અનુભવ સવિસ્તાર વર્ણવતા બ્રિજેશભાઈ મેરજા કહે છે કે આમ તો વર્ષ 2007થી જાહેર જીવનની કારકિર્દીનો આરંભ થયો. સાલ 1980માં 22 વર્ષની યુવા વયે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના જનસંપર્ક અધિકારી તરીકે વલ્લભભાઈ પટેલ સાથે કામ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ બેંકના ચેરમેન વલ્લભભાઈ પટેલના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોડાયો. ત્યારે પોતાની આવડતનો ઉપયોગ લોકોના કામ માટે કરવાનું વલ્લભભાઈ પાસેથી શીખ્યું. ત્યારબાદ વલ્લભભાઈ પટેલ 1985માં કોંગ્રેસના નેજા હેઠળ માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી બન્યા ત્યારે ગાંધીનગરમાં તેમના પી.એ. તરીકે કામ કરવાનો મોકો મળ્યો. એ પછી તો વર્ષ 2006 સુધી વિવિધ મંત્રીઓના પી.એ. તરીકે ફરજ નિભાવી. એ સાથે જયેષ્ઠ પુત્ર પ્રશાંત તબીબ બની ગયા બાદ મારી આવડત અને મારા અનુભવનો લાભ મારા વતન મોરબીને આપવાની ભાવના જાગૃત થતાં કોંગ્રેસ તરફથી ટંકારા બેઠક પરથી સૌ પ્રથમ વખત ધારાસભાની ચૂંટણી લડ્યો અને હાર્યો. જાહેર જીવનમાં આવવાના હેતુને ચરિતાર્થ કરવા ભાજપ તરફથી પેટાચૂંટણી લડી વધુમાં, તેમણે ઉમેર્યું કે પ્રથમ વખત ચૂંટણી હારી, પણ હિંમત નહીં. એટલે ચૂંટણી હાર્યા બાદ લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરી. વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી મોરબી વિધાનસભામાં ચૂંટણી લડી. જેમાં બહુ ઓછા મતે હાર્યો. તો પણ લોકો માટે 24*7 જનસંપર્ક કાર્યાલય ખુલ્લું રાખ્યું. 112 જેટલા ગામોનો 700 કિમીથી વધુની પદયાત્રા કરી લોકોના કાર્યો કરી આમૂલ પરિવર્તન લાવ્યું. જેના ફળ સ્વરૂપે વર્ષ 2017ની ચૂંટણી કોંગ્રેસમાંથી લડીને જીત મેળવી. તેમજ એક સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ત્યારબાદ મોરબી-માળીયાની પ્રજાના કલ્યાણ અર્થે તેમજ જાહેર જીવનમાં આવવાના હેતુને ચરિતાર્થ કરવા અને અંતરાત્માના અવાજને અનુસરીને વર્ષ 2020માં ભારતીય જનતા પક્ષ તરફથી પેટાચૂંટણી લડી, ફરીથી જનતાના આશીર્વાદ મળતા ધારાસભ્ય તરીકે ચુંટાયા. લોકસેવક તરીકેની ગરિમાને સદાય જાળવી રાખી છે સાથેસાથે તેમણે જણાવ્યું કે શાસક પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં લોકસેવક તરીકેની ગરિમાને ક્યારેય ઉથાપી નથી. વિપક્ષમાં હોય તો સ્થિતપ્રજ્ઞતા દાખવી આછકલાઇ વિના રચનાત્મક વિરોધ કર્યો છે. જ્યારે શાસક પક્ષમાં હકારાત્મક અભિગમ જાળવી પૂરા જોશથી સંતોષપૂર્વક કામગીરી કરું છું. તેમજ જવાબદાર ધારાસભ્ય અને મંત્રી તરીકે પ્રજા તથા સરકાર વચ્ચે સેતુરૂપ બનવા પ્રયત્નશીલ છું. અનેક વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તો અનેક વિકાસ કામો પૂર્ણતાના આરે છે મોરબી-માળીયાના કામો અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા બ્રિજેશભાઈ મેરજા લોકોના કામ કરવા એ તો ચૂંટાયેલા પ્રતિનિધિની નમ્ર ફરજ છે. હું પરિણામલક્ષી માણસ છું. મોરબી કે ગાંધીનગરમાં મળવા આવતા સામાન્ય લોકોનું પણ માન જળવાઇ તેની પૂરતી કાળજી રાખું છું. ખાસ કરીને તાજેતરમાં અમુક પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેની વાત કરીએ તો મોરબીથી પીપળી, જેતપુર, અણીયારી સુધીના અતિ બિસ્માર રસ્તાને ફોરલેન બનાવવા માટે રૂ. 309 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આવા રસ્તાઓના કામો ફોલોઅપ લેવામાં આવે છે. આથી, સરદાર પટેલની પ્રતિમા પાસે બનેલા મજબૂત રોડની માફક મોરબીમાં પણ ટકાઉ અને સારી ગુણવત્તાવાળા રસ્તાઓ બને. પીપળી રોડ સારો બનાવવા માટે તનતોડ મહેનત કરી છે. તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને ટુંક સમયમાં રસ્તાનું ભૂમિપૂજન કરાશે, તેવી ખાતરી આપું છું. ઉપરાંત, હાલમાં મોરબી-માળિયા પંથકના 52 કરોડના રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાનો પણ સહકાર મળ્યો છે. અનેક વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તો અમુક વિકાસ કામો પૂર્ણતાના આરે છે. જેમ...