મોરબી જિલ્લા - તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને યાદી જાહેર મોરબીઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાના 11માં ખેલ મહાકુંભ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે મોરબી જિલ્લાની જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની શ્રેષ્ઠ શાળા પસંદગી કરવામાં આવી છે જેમાં વિવિધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી શાળાઓને નંબર આપવામાં આવ્યો છે જેમાં જિલ્લા કક્ષાએ નાલંદા વિદ્યાલય અવ્વલ આવી છે. મોરબી જિલ્લા કક્ષાએ નાલંદા વિદ્યાલય (ગુજરાતી માધ્યમ)-વિરપરનો પ્રથમ નંબર, વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ-ધુનડાનો બીજો નંબર અને નાલંદા વિદ્યાલય (અગ્રેજી માધ્યમ)-વિરપરનો ત્રીજો નંબર આવ્યો છે.મોરબી તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 53 ગુણાંક સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે મોરબી તાલુકા કક્ષાએ આદર્શ નિવાસી શાળા-રફાળેશ્વરે પ્રથમ નંબર મેળવ્યો છે અને સરસ્વતી ભગવતી વિદ્યાલય-બરવાળાને ત્રીજો નંબર મળ્યો છે. વાંકાનેર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મોહમંદી લોકશાળા-ચંદ્રપુરને મળ્યો છે જ્યારે એસ.એમ.પી હાઈસ્કૂલ-સિંધાવરને બીજો નંબર અને શ્રી રામકૃષ્ણ નગર કન્યા પ્રાથમિક શાળા-વાંકાનેરને ત્રીજો નંબર મળ્યો છે. હળવદ તાલુકા કક્ષાએ એલ.એન.મહેતા હાઈસ્કૂનો પ્રથમ, કવાડીયા પ્રાથમિક શાળાનો દ્વિતિય અને નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ટંકારા તાલુકા કક્ષાએ નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- વિરપરનો પ્રથમ, વાઘગઢ પ્રાથમિક શાળાનો બીજો અને નવયુગ શૈક્ષણિક સંકૂલ-વિરપરે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. માળીયા (મી.) તાલુકા કક્ષાએ મેઘપર પ્રાથમિક શાળાનો પ્રથમ, રત્નમણી પ્રાથમિક શાળાનો બીજો અને શુક્રમણી પ્રાથમિક શાળાનો ત્રીજો નંબર આવ્યો છે.