ગતરાત્રે આખલા યુદ્ધને પગલે સ્થાનિકોએ જાણ કરતા પાલિકાની ટીમે ઢોર પકડ ઝુંબેશ હાથ ધરી, 8-10 ઢોરને પકડી નંદીઘરમાં ખસેડયા મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા ચામુંડાનગરમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસ વચ્ચે ગઈકાલે રાત્રે આખલા યુદ્ધને પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા અને આ બનાવની પાલિકા તંત્રને રજુઆત કરતા તંત્રની ઢોર પકડ ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાત્રે ચામુંડાનગરમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી.પાલિકાની ઢોર પકડ ટીમે 8-10 ઢોરને પકડી નંદીઘરમાં ખસેડયા હતા. જેથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. મોરબીના સમાંકાંઠે આવેલ ચામુંડા નગરમાં રખડતા ઢોર-ખૂંટિયાનો ત્રાસ ઘણા સમયથી છે અને આ બાબતે ઘણીવાર સતાધીશોનું ઘણીવાર ધ્યાન દોરવા છતાં દર વખતે જવાબદારો દ્વારા આખ આડા કાન કરેલ છે અને જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ આ પ્રશ્નમાં કોઈ જ પ્રકારની કામગીરી કરી ન હતી. દરમિયાન ગતરાત્રે આશરે 13 થી 15 ખૂંટિયાઓ યુદ્ધે ચડ્યા અને ઘણા વાહનો તેમજ માલ મિલકતને નુકસાન કર્યું હતું. જો કે સદનસીબે કોઈ જાતની જાનહાનિ થઈ ન હતી. આ બનાવને પગલે સ્થાનિકોએ તુરંત ફોન પર મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ તેમજ પ્રમુખને ફોન પર આ બાબતે માહિતી આપતા તુરંત ઢોર પકડવાની ટીમ વાહન સાથે આવીને ચામુંડાનગર વિસ્તારમાંથી 8 ખૂંટિયાને પકડીને લઇ ગઈ હતી.અને બાકી રહેલા ખૂંટિયા ને પણ વહેલી તકે પકડી અને અમારા વિસ્તારમાંથી રખડતા ખૂંટિયા નો ત્રાસ દૂર કરશે તેવી ધરપત આપી હતી. આ કામગીરી દરમિયાન અમારા વોર્ડ-વિસ્તારના કાઉન્સિલર ગૌતમભાઈ પણ હાજર રહ્યા હતા. આથી આ તકે ચામુંડા નગરના તમામ લોકો જયરાજસિંહ નગરપાલિકા પ્રમુખ, અને ગૌતમભાઈ તેમજ ઢોર પકડવાની કામગીરીમાં રોકાયેલા શૈલેષભાઈ અને તેમની પૂરી ટીમનો આભાર માન્યો હતો.