સરા ચોકડી નજીક મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલ છીનવી જતી સમડી હળવદ : હળવદ શહેર અને તાલુકામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા અઠવાડિયામાં ઘરફોડી, લૂંટ, ધાડ, ચોટલો કપાવો જેવી ઘટનાઓ ઉપરા છાપરી બની છે ત્યારે આજે સાંજે બજારમાં ખરીદી કરવા આવેલ મહિલાના હાથમાંથી ચિલઝડપકાર સમડીએ પર્સ અને મોબાઇલની ચિલ ઝડપ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના પાંચેક વાગ્યાના સમયે સરા રોડ ઉપર સુપર માર્કેટમાં ખરીદી કરવા આવેલ રૂચિકાબેન પટેલ ખરીદી પતાવી પોતાની કારમાં બેસવા જતા હતા ત્યારે હેલ્મેટ પહેરી બાઈક ઉપર આવેલ સમડીએ મહિલાના હાથમાંથી ઝોટ મારી પર્સ તેમજ મોબાઈલ મળી અંદાજે અઢારેક હજારની કિંમતની મતાની તફડંચી કરી હવામાં ઓગળી ગયો હતો. વધુમાં આ મહિલાના ગળામાં પહેરેલ સોનાનો ચેન આચકવા પણ સમડીએ પ્રયાસ કર્યો હતો પરંતુ ગળામાં મહિલાએ કંઠી પહેરેલ હોય ચેન બચી જવા પામ્યો હતો.