રવાપરમાં ચૂંટણી હારી ગયેલા ઉમેદવારના પતિને વિજેતા ઉમેદવારના પતિએ ધમકીઓ આપતા ઝેરી દવા પી લેતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા મહિલા ઉમેદવારના પતિને વિજેતા ઉમેદવારના પતિ દ્વારા તું અમારી સામે ચૂંટણી લડ્યો એટલે તને તો પતાવી દેવો છે તેવી અવાર નવાર ધમકી આપતા આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 12માંથી ભરતભાઇ રાણાભાઇ બસીયાના પત્ની ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા આમ છતાં વિજેતા ઉમેદવારના પતિ ભીખાભાઇ આપભાઇ જારીયા રહે. રવાપર ધાયડી વિસ્તાર વાળા અવાર નવાર ભરતભાઇને ગાળો આપતા હતા અને ચારેક દિવસ પહેલા અમારી સામે ચૂંટણી લડ્યો એટલે તને તો પતાવી દેવો છે કહી ધમકી આપતા ભરતભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વધુમાં આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે આરોપી ભીખાભાઇ આપભાઇ જારીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.