મોરબી : રાજ્ય સરકારના રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ અલગ - અલગ રમતોમાં પોતાનું કૌવત દેખાડીને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખેલમહાકુંભમાં વિવિધ વયજુથ, વજનગ્રુપ, સાંધિક રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ખેલાડીઓએ ચેસ, ટેકવેન્ડો, ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ત્રણમાં રહીને મેડલ જીત્યા છે. ખેલમહાકુભમાંમોરબી જિલ્લાના મેડલ મેળવનારા ખેલાડીઓની વાત કરીએ તો, ચેસની ઓપન વયજુથની સ્પર્ધામાં પરમાર દિપે દ્વિતિય નંબર મેળવ્યો છે. તો ટેકવેન્ડોમાં અન્ડર-14 બહેનોમાં નાલંદા સ્કૂલની પંડ્યા આરાધ્યાએ ત્રીજો નંબર, અન્ડર-17 બહેનોમાં ડીજેપી સ્કૂલની પારઘી સલોનીએ બીજો નંબર, અન્ડર-17 બહેનોમાં નવજીવન સ્કૂલની ભરાડીયા લીનાએ પ્રથમ નંબર, અન્ડર-17 ભાઈઓમાં નવજીવન સ્કૂલના જતાપરા શુભમે દ્વિતિય નંબર, અન્ડર-17 ભાઈઓમાં તક્ષશીલા-હળવદ સ્કૂલના કુડેચા સાગરે દ્વિતિય નંબર મેળવ્યો છે. જ્યારે ખો-ખોની અન્ડર-17 બહેનોની સ્પર્ધામાં નવજીવન વિદ્યાલય મોરબીની ટીમે તૃતિય નંબર અને કબડ્ડીની અન્ડર-17 બહેનોની સ્પર્ધામાં નવજીવન વિદ્યાલય મોરબીની ટીમે પ્રથમ નંબર મેળવ્યો છે.તમામ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા પરિવાર અને જિલ્લાનું નામ રોશન કરતા ખેલાડીઓને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.