15 માસમાં પાલિકા કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવાની શરત છતાં ચાર વર્ષેય હજુ કામ અધૂરું મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી કહી શકાય તેવી મોરબી પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલ લાલીયાવાડી સામે નવા આવેલા ચીફ ઓફિસરે ઝુંબેશ રૂપે કામગીરી શરૂ કરતાં અવનવી બેદરકારી સામે આવી રહી છે જેમાં આજે ચીફ ઓફિસર દ્વારા 15 માસની મુદત છતાં ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલ પાલિકા કચેરી નિર્માણનો કોન્ટ્રાકટ રદ્દ કરી કોન્ટ્રાકટરની ડિપોઝીટ જપ્ત કરી કચેરી નિર્માણનું અધૂરું કામ પૂરું કરવા નિર્ણય લેતા લાગીયા - ભાગિયાઓમાં ફફડાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા કચેરી પ્રાંગણમાં પાલિકાના અદ્યતન ઓફિસ બિલ્ડીંગ બનાવવા માટે વર્ષ 2018માં રાજકોટની મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ ઓનલાઈન ટેન્ડર કરી આપવામાં આવ્યો હતો. આ કામગીરી 15 માસમાં પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યું હોવા છતાં હજુ કામ પૂર્ણ કરવામાં ન આવતા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. બીજી તરફ મારૂતિ એન્ટરપ્રાઇઝ દ્વારા કચેરી નિર્માણનું કામ પૂર્ણ કરવાને બદલે સમય મર્યાદા વધારી આપવાની અરજીઓ કરવામાં આવેલ તેમજ ભાવ વધારો પણ માંગવામાં આવ્યો હતો. જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, મારુતિ એન્ટરપ્રાઇઝને સ્ટ્રક્ચર ડિઝાઈન આપવામાં આવેલ તેમ છતા પણ સ્ટ્રક્ચર ડિઝાઈન મુજબ કામ કરવામાં આવેલ નથી અને કામની પ્રગતિ ખૂબ જ ધીમી હોય એગ્રિમેંટની શરત નં-2 અને 3 મુજબ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરી આપવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરી આપવામાં આવશે નહીં તેવી શરતનો ભંગ કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા કરાર રદ કરી કચેરી નિર્માણનું કામ કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે કરવા મારૂતિ એન્ટરપ્રાઇઝની ડિપોઝિટ જપ્ત કરી નગરપાલિકા દ્વારા ઉપરોક્ત કામ કરાવવામાં આવશે તેવું સ્પષ્ટ પણે કોન્ટ્રાક્ટરને લેખિતમાં જણાવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મોરબી પાલિકામાં વર્ષોથી પેસી ગયેલો સડો દૂર કરવા ચીફ ઓફિસર ઝાલા ધડાધડ પગલાં ભરતા અનેક લાગીયા ભાગીયાઓને રેલો આવ્યો છે.