મોરબી નગરપાલિકાના પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની રાજયમંત્રી મેરજાની અધ્યક્ષતામાં સમીક્ષા કરાઇ મોરબી : આગામી સમયમાં ચોમાસાની ઋતુ સંદર્ભે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં અત્યાર સુધીની થયેલ કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા દ્વારા ટૂંક સમયમાં 16 સીએનજી સિટી બસ ખરીદવા સહિતની બાબતોની જાણકારી આપવામાં આવી હતી. રાજયમંત્રી મેરજાએ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા નગરપાલિકાના તમામ સદસ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે સમીક્ષા તેમજ ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો અંગે વિવિધ સુચનો કર્યા હતા. સમીક્ષા બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, તમામ નગરસેવકો પોતાના વિસ્તારમાં જાગૃત રહીને જે કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ કચાસ ન રહે. આ સાથે જ મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા નગરસેવકોને સૂચન કર્યું હતું. મોરબીના સાર્વત્રિક અને સમતોલ વિકાસ માટે નગરસેવકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક માણસ સુધી પહોંચી અને તેના પ્રશ્નો ને વાચા આપવી એ આપણું કર્તવ્ય છે. આ બેઠકમાં પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસે મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભવિષ્યમાં આકાર લેનાર રિવરફ્રન્ટ યોજના, કેનાલ રોડ બ્યુટીફીકેશન, સોલાર પાર્ક તેમજ સીટી બસ પ્રોજેકટ અંગે માહિતી પૂરી પાડી હતી. વધુમાં 16 સીએનજી નવી સીટી બસ ખરીદવાની કાર્યવાહી અંગે સૌને માહિતાગાર કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, મોરબી પ્રાંત ડી.એ. ઝાલા, રિઝનલ કમિશ્નર ધીમંત વ્યાસ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.