સાત-સાત દિવસથી પાણી ન આવતા રહીશોને ભારે મુશ્કેલી, તંત્ર વહેલીતકે પાણી પ્રશ્ન હલ કરે તેવી માંગ મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા અવની ચોકડી ઉપર આવેલ સાત જેટલા એપાર્ટમેન્ટમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. આ એપાર્ટમેન્ટમાં સાત- સાતથી પાણી ન આવતા સ્થાનિક રહીશો મુશ્કેલી મુકાઈ ગયા છે. પાણી મેળવવા માટે દરરોજ સ્થાનિક રહીશોને ભારે કસરત કરવી પડતી હોય તંત્ર વહેલીતકે પાણી પ્રશ્ન હલ કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના રવાપર રોડ ઉપર અવની ચોકડી નજીક આવેલા ગૃરુકૃપા એપાર્ટમેન્ટ, ગોકુલ એપાર્ટમેન્ટ, પ્રગતિ એપાર્ટમેન્ટ, પ્રમુખ એપાર્ટમેન્ટ, શિવાલીકા એપાર્ટમેન્ટ સહિત સાત જેટલા એપાર્ટમેન્ટમાં છેલ્લા સાત દિવસથી પાણીની હૈયાહોળી સર્જાઈ છે. સ્થાનિક રહીશોને જણાવ્યા મુજબ તેમના આ બધા એપાર્ટમેન્ટમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પણ છેલ્લા સાત દિવસથી કોઈ કારણોસર પાણી આવતું બંધ થઈ ગયું છે. સાત સાત દિવસથી પાણી ન આવતા સ્થાનિક રહીશો ભારે હેરાન થઈ ગયા છે. પીવાનું પાણી તો વેચાતું મેળવી શકાય પણ કપડાં ધોવા કે અન્ય ઘરના કામ માટે રોજ રોજ પાણી મેળવવું મુશ્કેલ બને છે. ઘણીવાર એપાર્ટમેન્ટમાં નીચેથી પાણી ચડાવવું કપરું બની જાય છે. એ પણ ખારું પાણી હોય વપરાશમાં પણ ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. આથી તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરી જલ્દીથી પાણી પ્રશ્ન સોલ્વ કરે તેવી સ્થાનિક રહીશોએ માંગ ઉઠાવી છે.