મોરબી-ર ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ જુની નીશાળની સામે મારામારીના બનાવમાં સાત સામે ફરિયાદ મોરબી : મોરબી-ર ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ જુની નીશાળની સામે પાન મસાલાના વેપારી ઉપર સાત શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ વેપારીના પુત્રએ પ્રેમલગ્ન કરતા નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ પુત્રનો ખાર પિતા ઉપર ઉતાર્યો હતો. મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ જુની નીશાળ સામે રહેતા અને પાન મસાલાની દુકાન ધરાવતા ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજા (ઉ.વ ૫૧)એ આરોપીઓ કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ, ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડ (બન્ને રહે લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી), સંજયભાઇ ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલભાઇ ભરવાડ તથા ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરા ગોપાલભાઇએ આરોપીની કુટુંબીક બહેન સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને ભાગી ગયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ બે રીક્ષાઓમા ફરીયાદીની દુકાને આવી ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારોથી માર મારી પીઠના ભાગે તથા બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ પહોચાડી તથા ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની આગળની તપાસ મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પો.સ.ઇન્સ. એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.