બદામ બાળકોના શારિરીક અને માનસિક વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને બદામ ખવડાવવાથી તેમનો વિકાસ ઝડપથી થાય છે. એવું પણ કહેવાય છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. બદામ પ્રોટીન, વિટામિન્સ, ઓમેગા-3 અને સારી ચરબીથી ભરપૂર હોય છે. તેથી આપણે બાળકોને આખી બદામ અથવા બદામનો ભુક્કો કરીને ખવડાતાં હોઈએ છીએ. પરંતુ આજે બદામની એક એવી અનોખી રેસિપી તમને જણાવીશું, જેનું નામ છે બદામનું માખણ.. બાળકોને બદામનું માખણ બનાવીને ખવડાવશો તો ખૂબ જ ભાવશે અને બદામનું માખણ બનાવવું પણ સાવ સરળ છે. બનાવવાની રીત: 1- બદામનું માખણ બનાવવા માટે પહેલા જેટલી બદામ લેવી હોય તેટલી બદામ લો. 2- હવે બદામને ડ્રાય પેનમાં મૂકો અને લગભગ 5 મિનિટ માટે ફ્રાય કરો. 3- જો તમે ઇચ્છો તો સૂકી બદામને માઇક્રોવેવમાં 2 મિનિટ સુધી શેકી શકો છો. 4- જ્યારે બદામ પર હળવી તિરાડો પડી જાય તો સમજવું કે બદામ પૂરી રીતે શેકાઈ ગઈ છે. 5- હવે બદામને મિક્સરમાં નાખીને પીસી લો. બદામને પીસતી વખતે સમયાંતરે હલાવતા રહો. 6- તમારે તેને ત્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી તે સ્મૂથ પેસ્ટ જેવું ન થઈ જાય. 7- મીઠાશ માટે તમે તેમાં 2-3 ખજૂર અથવા 2-3 ચમચી મધ ઉમેરી શકો છો. 8- જ્યારે તે તેલ સંપૂર્ણપણે છોડીને માખણ જેવું થઈ જાય, પછી તેને મિક્સરમાંથી બહાર કાઢીને બરણીમાં રાખો. 9. તમે બદામના માખણને બ્રેડ, ટોસ્ટ અથવા બિસ્કિટ પર લગાવીને ખાઈ શકો છો. 10. તમે બદામના માખણને એક મહિના સુધી સરળતાથી સ્ટોર કરી શકો છો અને રાખી શકો છો.