વિકાસ એટલે શું? સાચો વિકાસ કયારે દેખાશે? આ બાબતે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરતા ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ પ્રગતિ, સુવિધા, સુખાકારી અને સમૃધ્ધિ તેમજ આર્થિક સલામતીનો ભરોસો.. વિકાસના આ પ્રાથમિક લાભો છે પણ આપણને એ મળવા જોઈએ એટલાં પણ મળ્યાં નથી. તેનું સૌથી મોટું કારણ આપણે ખુદ છીએ ! : જયસુખભાઈ પટેલ આપણા દેશમાં હંમેશા કોઈપણ પ્રોજેકટ, ઈન્ફ્રાસ્ટ્રકચર માટે મોટી મોટી જાહેરાતો એડવાન્સમાં કરવામાં આવે છે. ધામધૂમથી જાહેરાતો કર્યા પછી એ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પ્રોજેકટ પૂરો થાય પછી મોટી મોટી જાહેરાતો કરીને લોકાપર્ણના ભવ્ય ખર્ચાળ સમારંભ, કાર્યક્રમો કરવામાં છે પણ એ પછી આપણે એ પ્રોજેકટને સાવ વિસરી જઈએ છીએ ! જે તે પ્રોજેકટ શરૂ કરવાનો ઉદેશ શું હતો, પ્રોજેકટનું પ્લાનિંગ કરેલું ત્યારે તેના લાભો, ફાયદાઓ કે લાભ શું હતા અને પૂરો થયા બાદ આ લાભો, ફાયદાઓ લોકોને મળે છે કે નહીં અને મળે છે તો કેટલા ટકા એ મળી રહયાં છે, એ અંગે કયારેય વિચાર કરતાં નથી ! આ આપણા દેશની સૌથી મોટી 'કમનસીબી' હોવાનું મોરબી સ્થિત ઑરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ લેખના આરંભમાં જણાવી આગળ લખે છે કે.. આપણે જયારે લોકો પાસેથી કરોડો રૂપિયા ટેકસના સ્વરૂપમાં મેળવીને તેમાંથી લોકોના લાભાર્થે યોજના કે માળખાંઓ તો બનાવીએ છીએ પણ આવા પ્રોજેકટ કે ઈન્ફ્રાસ્ટ્રકચરનો લાભ તેની ક્ષમતા કે આવરદા સુધી પૂરેપૂરો મળવો જોઈએ, એ બાબત આપણે જરા પણ ગંભીર નથી. કોઈપણ પ્રોજેકટ પૂરો થયા પછી ખરેખર લોકોને તેનો લાભ મળે છે કે નહીં તે જોવું જોઈએ અને તેનો લાભ, ફાયદો લોકોને મળે તો જ દેશનો વિકાસ શકય છે. આપણે 'વિકાસ' પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ અને પ્રોજેકટ, ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીએ છીએ. પરંતુ રોકેલાં 'નાણાં'નો લાભ લઈ શકતાં નથી યા તો લેતાં નથી. જયસુખભાઈ પટેલના મતે ટ્રેજેડી તો એ છે કે, આ બાબતે આપણે રતિભાર પણ ગંભીર નથી. આપણા દેશમાં છેલ્લાં પચાસ વર્ષમાં કરોડો રૂપિયાના રોકાણથી રેલ્વે, ડેમ, કેનાલો, રોડ, પોર્ટ, પાવર પ્લાન્ટ, પીવાના પાણી માટેની વ્યવસ્થા, ડ્રેનેજ, ગેસ લાઈનો, રિફાઈનરીઓ, ફર્ટિલાઈઝર પ્લાન્ટ, એરપોર્ટ, બસ સર્વિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, હોસ્પિટલ, યુનિવર્સિટી, શાળા અને કોલેજો શરૂ થયા છે અને હજુ નવા નવા આયોજનો કરતાં જઈએ છીએ પણ... છેલ્લાં પચાસ વર્ષમાં જે કંઈ પણ ઈન્ફ્રાસ્ટ્રકચર આપણે લોકોના લાભાર્થે લોકોના પૈસાથી બનાવ્યાં છે, તેનો ખરો ઉપયોગ કરીએ છીએ ખરાં? જવાબ છે, ના. આપણા દેશમાં બનેલી સુવિધા કે વ્યવસ્થા કે માળખાકીય યોજનાઓનો માત્ર ત્રીસ ટકા લાભ લોકોને મળે છે. મતલબ એ થયો કે ઈન્વેસ્ટ કરેલાં નાણાંનું સંપૂર્ણ વળતર કે લાભો આપણે લેતાં નથી યા લઈ શકતાં નથી ! આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ પ્રાઈવેટ વ્યક્તિ કે કંપની જયારે કોઈપણ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરે કે તેમાં રોકાણ કરે ત્યારે તેની 'ઈકોનોમીક' વાયેબિલીટીને સૌથી પહેલાં ચકાસે છે અને પ્રોજેકટ પૂરા થયા પછી તેની 'મેકસિમમ કેપેસિટી'નો ઉપયોગ કરે છે, તેમાં જ 'પ્રોજેકટની સાર્થકતા' રહેલી છે. આ જ પોલિસીથી રોકાણ કરેલાં રૂપિયાનું શ્રેષ્ઠ વળતર મળતું હોય છે. પ્રાઈવેટ કંપની કે વ્યક્તિ મિનિમમ ૭૦ ટકાથી વધારે 'ક્ષમતા'થી પ્રોજેકટનો ઉપયોગ કરતી હોય છે પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રોજેકટમાં ૩૦ ટકાથી વધારે 'એફિસીયન્સી'નો ઉપયોગ કરવામાં આવતો નથી. પરિણામે લોકો પાસેથી ટેકસ સ્વરૂપમાં વસુલવામાં આવેલા પૈસાનો જે લાભ કે વળતર મળવું જોઈએ, એટલું મળતું નથી. જેના કારણે 'વિકાસ' દેખાતો નથી, તેમ જયસુખભાઈ પટેલ જણાવે છે. મોરબીના અગ્રણી ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલના મંતવ્ય પ્રમાણે, આપણે નવા પ્રોજેકટસ કરવાની બદલે આગામી પાંચ વર્ષ સુધી તૈયાર થયેલી માળખાગત યોજનાઓની ક્ષમતાને જો સિત્તેર ટકા જેવી કરી શકીએ તો કોઈપણ પ્રકારના નવા રોકાણ વગર જ આપણને વિકાસ દેખાતો થઈ જશે. આજે આપણા દેશમાં ફક્ત અને ફક્ત સરકાર પાસે જે કોઈપણ ઈન્ફ્રા પ્રોજેકટ છે તેનો ખરો ઉપયોગ લોકોના લાભ માટે પૂરી 'એફિસીયન્સી'થી કરવામાં આવે, તેના ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આપણી સરકાર ફકત 'સરકારી અધિકારીઓ'ને આપવામાં આવેલી 'ફરજો'નું પૂરેપૂરું પાલન કરાવે અને એ ન કરે તો તેની જવાબદારી, પેનલ્ટી, સસ્પેન્ડ કરવા જેવા કડક પગલાં સમાન 'હાર્ડ ડિસીઝન' લે તેની ખાસ જરૂર છે અને તો જ આ દેશમાં ખરેખર 'વિકાસ' જોવા મળશે. શિસ્ત આપણા દેશમાં પ્રથમ જરૂરિયાત છે. એ માટે સૌથી પહેલા 'સરકારી' અધિકારીઓ ઉપર પ્રેસર લાવવાની ખાસ જરૂર છે. સરકારી અધિકારીઓ ફક્ત હોદ્દા, પાવરને કારણે મળતી સગવડોનો જ ઉપયોગ કરે છે અથવા લાભ લે છે પણ તેઓ ફરજ, નિષ્ઠા, જવાબદારીઓ નિભાવતાં માગતા નથી... આવી ઘોર માનસિકતા છતાં આપણા દેશમાં આવા 'સરકારી' અધિકારીઓને કંઈ જ થતું નથી. તેથી, ધીરે ધીરે ઉપરથી નીચે સુધી બધા જ કર્મચારીઓ પણ બેજવાબદાર, કામચોર, ભ્રષ્ટાચારી અને સરકારના જમાઈની જેમ વર્તતા થઈ જાય છે અને એ જ કારણે આજે દેશમાં કાયદો અને વ્યવસ્થાના 'ચિંથરેહાલ' થઈ ગયા હોવાનું જયસુખભાઈ પટેલ લખે છે. આપણા દેશની સૌથી મોટી કમનસીબી એ છે કે, ઉચ્ચ સ્થાન પર બેઠેલા અધિકારીઓ દેશની ૯૦ ટકા સંખ્યા ધરાવતી સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવતાં નથી પરંતુ ૧૦ ટકામાં આવતાં હાયર મિડલ કલાસ યા મિડલ કલાસની સમસ્યા, જરૂરિયાત અને સુવિધાઓનો જ વિચાર કરીને યોજનાઓ ઘડે છે. તેઓ યુરોપ કે અમેરિકા જેવા દેશોની કમ્પેરિઝન કરીને પોલિસીઓ બનાવતાં હોય છે... જયારે આપણા દેશમાં ૯૦ ટકા લોકો ગરીબી રેખાથી નીચે છે. તેમની જરૂરિયાત, સમસ્યા અને સુવિધાઓ માટે વિચારતાં નથી. આપણા અધિકારીઓ દ્વારા ઘડાતી પોલિસીમાં પણ એટલા બધા સ્પીડબ્રેકર્સ એટલે કે (નિયમો/ સર્ટીફિકેટ/ ટેસ્ટીંગ રજીસ્ટ્રેશન જેવા) જો અને તો મૂકવામાં આવે છે કે, પોલિસીનું હાર્દ મરી જાય છે! પરિણામે રિઝલ્ટ મળતું નથી અને આવા બિનજરૂરી સ્પીડબ્રેકર્સ રાખવાથી ભ્રષ્ટાચાર પણ વધારે થાય છે. કયારેક તો એવું જ લાગે છે કે, ભ્રષ્ટાચાર કરવા માટે જ સરકાર તરફથી સમજી વિચારીને જ આવી પોલિસી દેશ માટે બનાવવામાં આવે છે, તેમ જણાવી જયસુખભાઈ પટેલ આગળ જણાવે છે કે... એક તરફ આપણા...