એજીએલ ગ્રુપના દરોડાના તાર મોરબી સુધી લંબાતા બેસુમાર બેહિસાબી સાહિત્ય કબ્જે, હજુ કાલે સાંજ સુધી તપાસ ચાલશે મોરબી : સિરામીક ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો લિમિટેડ કંપની ઉપર પડેલા દરોડાના તાર મોરબી સુધી લંબાયા છે ત્યારે સતત બીજા દિવસે પણ દરોડાનો દૌર યથાવત રહ્યો છે અને બે સુમાર બિનહિસાબી સાહિત્ય ઇન્કમટેક્સ દ્વારા કબ્જે કરી આવતીકાલ સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહે તેવા સંકેતો ઇન્કમટેક્સના અધિકારીઓએ આપ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગઈકાલે સવારથી સિરામીક ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો કંપનીના ભાગીદારોને ત્યાં દરોડા શરૂ કરી મોરબી, હિંમતનગર અને અમદાવાદ સહિત 40 સ્થળએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને આજે સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી યથાવત રહેવા પામી છે. વધુમાં 200 જેટલા ઇન્કમટેક્સના અધિકારી દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એશિયન ગ્રેનિટો ગ્રુપ સાથે જોડાયેલા મોરબીના 2 સિરામીક યુનિટના ભાગીદારોના ઘરે પણ આજે સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન હાથ ચાલી રહ્યું છે જેમાં મોરબી રવાપર રોડ પર આવેલ ભાગીદારના મકાનમાંથી બેનામી સાહિત્ય, રોકડ રકમ અધિકારીના હાથ લાગી હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે સઘન તપાસ ચાલુ છે જે આવતીકાલ સુધી ચાલુ રહે તેમ હોવાનું ઇન્કમટેક્સના અધિકારી સૂત્રો તરફથી જણાવાયું હતું.