વ્યાજખોર ભાવેશ અને બાબભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં વ્યાજખોરોએ માઝા મૂકી છે, ચામડાતોડ વ્યાજ વસુલતા બે વ્યાજખોરોએ મળી મોરબીના મોહિત નામના યુવાનને આંતરી વાવડી રોડના નાકે લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપ વડે લમધારી નાખતા મામલો સિટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર નિર્મળ સ્કુલની પાછળ સંગમ-ડી. એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨ રહેતા મુળ જેતપર (મચ્છુ) ગામના સિરામીક રો મટિરિયલના ધંધાર્થી મોહીતભાઇ રામજીભાઇ જાકાસણીયાએ ભાવેશભાઇ હરીભાઇ બારોટ રહે.મોરબી વાવડી રોડ અને બાબાભાઇ જીવણભાઇ જીલરીયા રહે.મોરબી શકત શનાળા વાળા પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હતા. જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચુ વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા બન્ને આરોપીઓએ વ્યાજની ઉઘરાણી સતત ચાલુ રાખી હતી. દરમિયાન વ્યાજખોર ભાવેશ અને બાબા વ્યાજની ઉઘરાણી માટે સતત ફોન કરતા હોય મોહિતે ફોન નહી ઉપાડતા વ્યાજખોરોને સારૂ નહી લાગતા ભાવેશે વાવડીરોડના નાકા પાસે મોહિતને આંતરી લોખંડના પાઇપ વડે તેમજ બાબાએ પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોરીના ગંભીર બનાવ મામલે મોહિતે મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.